Last Updated on by Sampurna Samachar
પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ
મધ્યરાત્રિથી ગિરનારની પરિક્રમાનો થયો પ્રારંભ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખરાબ રસ્તા અને ખરાબ વાતાવરણને કારણે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાયાની જાહેરાત છતાં જૂનાગઢમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ હાલ તળેટીમાં ઉમટી પડી છે.

જૂનાગઢના ભવનાથ તળેટીથી પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર અને સાધુ,સંતોની ઉપસ્થિતીમાં શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી હતી. વહેલી સવારે માત્ર મર્યાદિત સંખ્યામાં સાધુ, સંતો પરિક્રમા રૂટ પર પ્રસ્થાન કર્યું હતું.
ઇંટવા ઘોડી સાધુ સંતોએ પ્રસ્થાન કર્યું
જુનાગઢની ભવનાથ તળેટીમાં ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આમ તો વર્ષથી પારંપરિક રીતે યોજાઈ છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ થવાથી પરિક્રમા રૂટ પર કાદવ કીચડ અને પગપાળા જવું પણ દુષ્કર બનતા જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતોએ પરિક્રમા રૂટનું ચેકીંગ કર્યા બાદ ર્નિણય લેવાયો કે આ વર્ષે પરિક્રમા મોકૂફ રાખવાની ફરજ પડી છે. દેવ દિવાળીની મધ્યરાત્રીએ સાધુ સંતો અને જિલ્લા કલેકટરે કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી તેમજ મેયર, ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને નાયબ વન સંરક્ષક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક સ્વરૂપે થનાર આ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
આ પૂર્વે પરંપરા મુજબ ભગવાન ગુરુ દત્તાત્રેયની પૂજન વિધિ કરવામાં આવી હતી., કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કીચડના કારણે પરિક્રમાને મોકૂફ રાખવાની ફરજ પડી છે. પરંતુ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જળવાઈ રહે તે માટે વહેલી સવારે પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતો મર્યાદિત સંખ્યામાં વહીવટી તંત્રની સાથે રહી પરિક્રમા કરવા પ્રસ્થાન કર્યું હતું.
હાલ ભવનાથમાં વરસાદી માહોલ છે. ગિરનાર અને ભવનાથમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ, વરસાદી માહોલમાં ગિરનાર પર્વત પર જવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. પરિક્રમા રદ થતાં શ્રદ્ધાળુઓનો ગિરનાર તરફ ધસારો વધી રહ્યો છે.
ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા ૫૦ જેટલા સાધુ સંતો દ્વારા પ્રારંભ કરાઈ છે. ઇંટવા ઘોડી સાધુ સંતોએ પ્રસ્થાન કર્યું. ઉતારા મંડળ અને અગ્રણી સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે. ૩૬ કિમીની પરિક્રમા રહેશે.