Last Updated on by Sampurna Samachar
પૂછપરછ કરતા દુષ્કર્મ આચર્યાની ગંભીર માહિતી સામે આવી
પોલીસે સગીરાને શોધી વાલીને સોંપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરના પાલિતાણામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પાલિતાણા પોલીસે આ મામલે ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી હતી અને સગીરાને શોધી વાલીને સોંપી દેવાઈ છે. આ સિવાય અપહરણ અને દુષ્કર્મમાં સામેલ ૪ આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ૨૨ નવેમ્બરે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સગીરાની શોધખોળ હાથ ધરી હતી. ફરિયાદના બે દિવસની અંદર પોલીસ તપાસ બાદ સગીરા મળી આવી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવાર દ્વારા સગીરાની પૂછપરછ કરતા તેનું દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર માહિતી સામે આવી હતી.
ત્રણેય આરોપી બે દિવસની પોલીસ કસ્ટડીમાં
આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સગીરાના નિવેદનના આધારે પોલીસે વિવિધ BNS અને POCSO એક્ટ હેઠળ કલમો લગાવી કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગુનામાં એક મહિતા સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રૂબિના મોહમ્મદની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવાઇ છે. આ સિવાય અન્ય આરોપી અશ્વિન ચૌહાણ, નટુભાઈ ચૌહાણ અને મહેશ ચુડાસમાની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ, આ ત્રણેય આરોપી બે દિવસની પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય અન્ય એક શૈલેષ મકવાણા નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ શરૂ છે. પોલીસ આ મામલે પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.