Last Updated on by Sampurna Samachar
નકલી ચલણી નોટોના કેસમાં કોર્ટે સાત આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આરોપી મુકેશ ઠુમ્મરે નોટો બનાવવા માટેના કાગળ ચીનથી મંગાવ્યા હતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલી નકલી નોટો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. રિઝર્વ બેંકની તપાસમાં આ નોટો હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે. હવે આ નકલી નોટો તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવશે. કોર્ટે તમામ સાત આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ૩૦ તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત કરતાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતાં. આરોપીઓએ ૫૦૦ રૂપિયાના દરની ભારતીય ચલણી નોટને સ્કેન કરી તેને એડિટ કરી નોટના સિરિયલ નંબર બદલીને કરોડો રૂપિયાની નકલી નોટો છાપી હતી.
અડધી છપાયેલી નકલી નોટો જપ્ત કરી
આરોપી મુકેશ ઠુમ્મરના ઘરેથી ભારતીય ચલણની ૫૦૦ રૂપિયાના દરની ૫૬૦૦ નકલી નોટો મળી આવી છે. આરોપીઓે સુરત નજીકના વિસ્તારમાં નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાની પણ શક્યતાઓ છે. આરોપી મુકેશ ઠુમ્મરે નોટો બનાવવા માટેના કાગળ ચીનથી મંગાવ્યા હતાં.
પોલીસે કહ્યું હતું કે, કઈ એપ્લિકેશન મારફતે આ કાગળો મંગાવ્યા તેની તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માગ કરાઈ છે. આરોપીઓના બેંક ખાતા અને વાર્ષિક રિટર્નની માહિતી મેળવી આવકના સ્ત્રોત બાબતે તપાસ કરવા અને કોઈ અપ્રમાણિત મિલકતો વસાવી છે કે કેમ તે અંગે તપાસની જરૂર છે.
પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર અને નોટ બનાવવાના કાગળો તથા અડધી છપાયેલી નકલી નોટો જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ એકબીજા સાથે ૧૦ વર્ષથી સંપર્કમાં હતાં. આરોપીઓએ અઢીથી ત્રણ કરોડની કિંમતની ભારતીય ચલણની ૫૦૦ના દરની નકલી બનાવટી નોટો બનાવી છે. આરોપીઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા નથી.