Last Updated on by Sampurna Samachar
કોઈ સ્ટેટ એસોસિએશન તરફથી ક્રિકેટ રમવા માટે ઓફર મળી
વિજય હજારે ટ્રોફી ૨૦૨૪માંથી બહાર રખાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શૉ લાંબા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. પૃથ્વી શૉ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ ૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ રમ્યો હતો. ૨૫ વર્ષીય પૃથ્વી શૉનું ફોર્મ ઘરેલૂ ક્રિકેટમાં પણ સારું નથી રહ્યું. આ સાથે જ તેની ફિટનેસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે પૃથ્વી શૉ ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈવી ટીમને બાય-બાય કહેવા માંગે છે. તેના માટે પૃથ્વીએ આગામી ઘરેલૂ સિઝન પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કરવા વિનંતી કરી છે. પૃથ્વીને બીજા કોઈ સ્ટેટ એસોસિએશન તરફથી ક્રિકેટ રમવા માટે ઓફર મળી છે.
પૃથ્વી શૉએ MCA ને લખેલા પોતાના પત્રમાં કહ્યું કે, ‘મારા કરિયરના આ તબક્કે મને બીજા સ્ટેટ એસોસિએશન તરફથી વ્યાવસાયિક ક્રિકેટ રમવાની સારી તક મળી છે. મને વિશ્વાસ છે કે તેનાથી હું એક ક્રિકેટર તરીકે વધુ વિકસિત અને પ્રગતિ કરીશ. તેને ધ્યાનમાં રાખીને હું તમને વિનંતી કરું છું કે મને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કરવામાં આવે, જેથી હું આગામી ઘરેલૂ સિઝનમાં સત્તાવાર રીતે નવા સ્ટેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરી શકું.
પૃથ્વી શોનું વજન ખૂબ વધારે છે
પૃથ્વી શૉને ગત વર્ષે ખરાબ ફિટનેસને કારણે રણજી ટ્રોફી મેચ માટે મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી કે પૃથ્વી શોનું વજન ખૂબ વધારે છે અને તેના શરીરમાં ૩૫ ટકા ચરબી છે. ત્યારબાદ તેને ફિટનેસ પાછી મેળવવા માટે સખત ટ્રેનિંગ લેવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, તેની ફિટનેસમાં કોઈ સુધારો નહોતો થયો, જેના કારણે મુંબઈની ટીમના સિલેક્ટરોએ તેને વિજય હજારે ટ્રોફી ૨૦૨૪માંથી પણ બહાર રાખવાનો ર્નિણય લીધો હતો.
પૃથ્વી શોએ ભારત માટે ૫ ટેસ્ટ, ૬ વન-ડે અને ૧ T૨૦ મેચ રમી છે. ટેસ્ટ મેચમાં તેણે ૪૨.૩૭ની એવરેજથી ૩૩૯ રન બનાવ્યા છે, જેમાં ૧ સદી અને ૨ અડધી સદી સામેલ છે. બીજી તરફ વન-ડે ઈન્ટરનેશનલમાં પૃથ્વીના નામે ૩૧.૫૦ની એવરેજથી ૧૮૯ રન નોંધાયેલા છે. પૃથ્વી તેની એકમાત્ર T૨0I મેચમાં ખાતું ખોલી શક્યો ન હતો. પૃથ્વીએ ભારતમાં પોતાની છેલ્લી લિસ્ટ-છ મેચ ૨૦૨૨ની વિજય હજારે ટ્રોફીમાં રમી હતી. તેણે છેલ્લા ઘરેલૂ સિઝનમાં ઈંગ્લિશ કાઉન્ટી ટીમ નોર્થમ્પ્ટનશાયર માટે વન-ડે કપ મેચ રમી હતી, જ્યાં તેણે પાંચ ઈનિંગ્સમાં ૯૭, ૭૨, ૯, ૨૩ અને ૧૭ રન બનાવ્યા હતા.