Last Updated on by Sampurna Samachar
એક વર્ષ જૂના કેસના કારણે આપઘાત કર્યાની ચર્ચા
સમગ્ર પરિવાર અને ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના સાળા જીત રસિકભાઈ પાબારીએ રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર અને ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના પાછળનું કારણ એક વર્ષ જૂની દુષ્કર્મની ફરિયાદ હોવાનું મનાઈ રહ્યું છે, જેનો દિવસ અને આજની તારીખ એક જ હોવાનો કમનસીબ સંયોગ સર્જાયો છે. આ મામલે જાણકારી મળતાં જ માલવિયાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ આત્મહત્યા કેસમાં સૌથી આઘાતજનક બાબત તેની તારીખ છે. જીત પાબારીએ ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પોતાનું જીવન ટૂંકાવ્યું. બરાબર એક વર્ષ પહેલાં, એટલે કે ૨૬ નવેમ્બર, ૨૦૨૪ના રોજ, જીતની પૂર્વ મંગેતર દ્વારા તેની વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદની એ જ તારીખે આત્મહત્યા કરી લેતા, એવી આશંકા પ્રબળ બની છે કે જીત છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કેસના કારણે ભારે માનસિક દબાણ અને તણાવ હેઠળ હતો.
આત્મહત્યા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરાઇ
ગત વર્ષે નોંધાયેલી ફરિયાદમાં જીતની પૂર્વ મંગેતરે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે જીત પાબારીએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગાઈ કર્યા બાદ પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જીતે સગાઈ તોડી નાખી હતી. આ આરોપોને પગલે જીત સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી.
આ ઘટનાથી ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારા અને તેમના સમગ્ર પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. પૂજારાના સાસરિયાઓ મૂળ જામજોધપુરના વતની છે પરંતુ છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે. તેમના સસરા રસિકભાઈ પાબારી કોટન જિનિંગ ફેક્ટરીના માલિક છે.
આ દુ:ખદ ઘટના બાદ માલવિયાનગર પોલીસની ટીમ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તબીબોએ જીતને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.