હવે એક સ્થાન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા રેસમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૧૪૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ચોથી ઇનિંગ્સમાં ૮ વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત WTC ફાઇનલમાં પહોંચી છે.
આ મેચ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાએ WTC પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ ૧૧ મેચ રમી છે. આ દરમિયાન તેણે ૭ મેચ જીતી છે. આ સાથે જ તેને ૩ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાનું PCT ૬૬.૬૭ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૧૫માંથી ૯ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા ટીમનો PCT ૫૮.૮૯ છે.
ટીમ ઈન્ડિયા હાલમાં ૫૫.૮૮ PCT સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હવે ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે. હવે ભારતે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય ટીમો પર ર્નિભર રહેવું પડશે. જો ટેસ્ટ મેચની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં ૨૧૧ રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં ૩૦૧ રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં પાકિસ્તાનના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને આખી ટીમ માત્ર ૨૩૭ રનમાં આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૧૪૮ રનનો ટાર્ગેટ હતો જે તેણે ૮ વિકેટ ગુમાવીને જીત મેળવી હતો. પ્રથમ ઈનિંગમાં ૮૯ અને બીજી ઈનિંગમાં ૩૭ રન બનાવનાર એઈડન માર્કરામને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, પરંતુ બીજી ટીમ માટે હજુ પણ ત્રણ ટીમો રેસમાં છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. WTC ની ફાઇનલ વર્ષ ૨૦૨૫માં ૧૧-૧૫ જૂન દરમિયાન ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં રમાશે.