ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ સામે ભારતનું શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમે ફાઇનલમાં બાંગ્લાદેશને ૪૧ રને પછાડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા અંડર-૧૯ મહિલા એશિયા કપ ૨૦૨૪નું ટાઇટલ જીતી લીધું છે. કુઆલાલંપુરના બ્યુમાસ ઓવલ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને ૪૧ રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશી ટીમને જીતવા માટે ૧૧૮ રનનો ટાર્ગેટ હતો, જેનો તે સફળતાપૂર્વક પીછો કરી શકી નહોતી. બાંગ્લાદેશની ટીમ માત્ર ૭૬ રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. એવામાં ભારતીય ટીમે ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૭ વિકેટે ૧૧૭ રન બનાવ્યા. ભારત તરફથી ઓપનર ગોંગડી ત્રિશાએ ૪૭ બોલમાં સૌથી વધુ ૫૨ રન બનાવ્યા. જ્યારે મિથિલા વિનોદ (૧૭ રન), કેપ્ટન નિક્કી પ્રસાદ (૧૨ રન) અને આયુષી શુક્લા (૧૦ રન) પણ બે આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યા. બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઈસ્મિને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે નિશિતા અક્તેર નિશીને બે અને હબીબા ઈસ્લામને એક સફળતા મળી હતી.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૮.૩ ઓવરમાં માત્ર ૭૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર જુએરિયા ફિરદૌસે ૩૦ બોલમાં સૌથી વધુ ૨૨ રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. જ્યારે ઓપનર ફાહોમિદા ચોયાએ ૧૮ રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બાંગ્લાદેશી બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે લેફ્ટ આર્મ સ્પિનર ??આયુષી શુક્લાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્પિન બોલર સોનમ યાદવ અને પરુણિકા સિસોદિયાને પણ બે-બે સફળતા મળી હતી. વીજે જાેશીથાને પણ એક વિકેટ મળી હતી.
ભારતીય ટીમની પ્લેઈંગ-૧૧ : ગોંગડી ત્રિશા, કમલિની (વિકેટકીપર), સાનિકા ચાલકે, નિક્કી પ્રસાદ (કેપ્ટન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, વીજે જોશિથા, શબનમ શકીલ, સોનમ યાદવ, પારુણિકા સિસોદિયા.
બાંગ્લાદેશની પ્લેઈંગ-૧૧ : ફહોમિદા ચોયા, મોસમ્માત ઈવા, સુમૈયા અખ્તર, ઝુઆરિયા ફિરદૌસ (વિકેટકીપર), સુમૈયા અખ્તેર (કેપ્ટન), સાદિયા અખ્તર જન્નતુલ મોઆ, હબીબા ઈસ્લામ, ફરઝાના ઈસ્મીન, નિશિતા અખ્તેર નિશી, અનીસા અખ્તેર સોબા.