ભારતના પરાજય બાદ દોષનો ટોપલો કેપ્ટન પર ફેંકતા રોહિત શર્માએ કરેલા કટાક્ષનો જવાબ આપતા ગાવસ્કર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની કારમી હારથી પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને રોહિત શર્મા વચ્ચે તુ તુ મે મે થઈ છે. બંનેએ એક-બીજાનું નામ લીધા વિના આક્ષેપબાજી કરતાં જોવા મળ્યા છે.
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ મેચમાં ભારતનો ખરાબ રીતે પરાજય જોતાં ગાવસ્કરે દોષનો ટોપલો કેપ્ટન રોહિત શર્માના માથે ઢોળ્યો હતો. તેમજ અમુક સલાહ આપી હતી, જેના પર રોહિત શર્માએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, ‘ભૂતપૂર્વ ક્રિકેટર્સને કંઈ ખબર પડતી નથી. તો તેઓ શું સલાહ આપશે.’ રોહિતના આ નિવેદનથી ગાવસ્કર ખૂબ ગુસ્સે થયો હતો અને રોહિતને સંભળાવ્યું હતું.
સિડની ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ સુનીલ ગાવસ્કરને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ‘શું ભારતમાં રમાનારી આગામી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ખેલાડીઓએ વધુ સારી તૈયારીઓ કરવી પડશે?’ તેનો જવાબ આપતાં ગાવસ્કરે રોહિત શર્માના નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘અમે અમને કંઈ જ આવડતુ નથી. અમને ક્રિકેટ વિશે ખબર જ નથી પડતી. અમે તો બસ ટીવી પર બોલવા માટે છીએ. અમારી વાત સાંભળશો નહીં.’
રોહિત શર્માએ સિડની ટેસ્ટના બીજા દિવસે મીડિયા રિપોર્ટમાં કોઈનું પણ નામ લીધા વિના કહ્યું છે કે, ‘જે લોકો અંદર માઈક, લેપટોપ કે પેન લઈને બેઠા છે તેઓ નક્કી ના કરે કે, અમારે શું કરવાનું છે. અમે જાણીએ છીએ કે શું સાચું છે અને શું ખોટું છે. હું બે બાળકોનો પિતા છું, તેથી મારે જીવનમાં શું કરવુ જોઈએ તેનો મને ખ્યાલ છે.’
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં પોતાની કેપ્ટનશિપ અને બેટિંગ બંનેથી નિરાશ કર્યા હતા. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ મેચ રમી પરંતુ તેના બેટથી માત્ર ૩૧ રન જ ફટકાર્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૧૦ રન હતો. આટલું જ નહીં, રોહિત શર્માના ખરાબ પ્રદર્શનના લીધે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટથી તેને દૂર રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેને ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવા કહ્યું છે.