કેપ્ટન રોહિત શર્મા અંગે ઈરફાન પઠાણે આપ્યું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના પ્રદર્શનને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ નારાજ છે. ૫ ટેસ્ટ મેચની ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે પરાજય થયો હતો. સીરિઝ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પરિણામ પર ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલની આશા ર્નિભર હતી. પરંતુ ભારતના બંને મહાન બેટરોએ નિરાશ કર્યા હતા. વિરાટ કોહલીએ એક સદી ફટકારી હતી પરંતુ રોહિત ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.
રોહિત શર્મા બાળકના જન્મને કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ રમી શક્યો ન હતો. તેણે પૂરી સીરિઝ દરમિયાન ૩ મેચમાં માત્ર ૩૧ રન બનાવ્યા છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટીમમાં રોહિત શર્માના સ્થાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. પઠાણનું માનવું છે કે ટીમમાં રોહિતનું સ્થાન તેની કેપ્ટનશીપને કારણે છે, તેના બેટિંગ પ્રદર્શનને કારણે નથી.
ઇરફાન પઠાણે કહ્યું હતું કે, ‘એક ખેલાડી જેણે લગભગ ૨૦,૦૦૦ રન બનાવ્યા છે. રોહિત અત્યારે જે રીતે હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે, તેને જોતા લાગે છે કે તેનું ફોર્મ તેને સાથ નથી આપી રહ્યું. અત્યારે એવું છે કે તે કેપ્ટન છે એટલે હાલ રમી રહ્યો છે. જો તે કેપ્ટન ન હોત તો કદાચ અત્યારે તે રમી શક્યો ન હોત. તમારી પાસે એક સેટ ટીમ હોત તો કેએલ રાહુલ ટોપ પર રમતા હોત, જયસ્વાલ પણ ટોપમાં હોત, શુભમન ગિલ તેના પછી બેટિંગ કરવા આવ્યો હોત. જો આપણે તેના વર્તમાન ફોર્મને જોતા વાત કરીએ તો, તે જે રીતે બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો છે તેથી કદાચ પ્લેઈંગ ઈલેવનમાં તેના માટે કોઈ સ્થાન નથી.’