બુમરાહે દિવસના અંતિમ બોલ પર ભારતને વિકેટ અપાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયા સિડની ટેસ્ટની પહેલી ઈનિંગમાં ૧૮૫ રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ત્યારે આ મેચમાં ઋષભ પંતે ૪૦ રનની મહત્ત્વની ઈનિંગ રમી હતી. પંત આ ઈનિંગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો પરંતુ તેણે હાર માની નહીં. ઋષભ પંતે આ મેચ દરમિયાન સિક્સરનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
ઋષભ પંત ભારતની પહેલી ઈનિંગ દરમિયાન નંબર પાંચ પર બેટિંગ કરવા આવ્યો. તેણે આ દરમિયાન ૯૮ બોલનો સામનો કરતાં ૪૦ રન બનાવ્યા. પંતની આ ઈનિંગમાં ૩ ચોગ્ગા અને ૧ સિક્સર સામેલ રહ્યાં. તેને બોલેન્ડે આઉટ કરી દીધો. પંત આ ઈનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો. તેના હાથ પર બોલ વાગ્યો. તેનાથી લોહી જામી ગયું પરંતુ પંતે તેનો આકરો જવાબ આપ્યો. તે ભારત માટે મહત્ત્વની ઈનિંગ રમ્યા બાદ જ આઉટ થયો.
ઋષભ પંતે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સિક્સર લગાવ્યાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો. પંતે કુલ ૧૧ સિક્સર મારી છે જ્યારે રોહિતે ૧૦ સિક્સર ફટકારી છે. આ મામલે નીતીશ કુમાર રેડ્ડી ત્રીજા નંબરે છે. તેણે ૮ સિક્સર મારી છે. વીરેન્દ્ર સેહવાગે પણ ૮ સિક્સર મારી છે. સચિને ૭ સિક્સર મારી છે.
ભારતીય ટીમના ઓલ આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી બેટિંગ માટે પહોંચ્યો. તેની પહેલી ઈનિંગ માટે ઉસ્માન ખ્વાજા અને કોંસ્ટસ ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન દિવસની અંતિમ ઓવર જસપ્રીત બુમરાહ કરી રહ્યો હતો. બુમરાહે દિવસના અંતિમ બોલ પર ભારતને વિકેટ અપાવી દીધી. તેણે ખ્વાજાને આઉટ કરી દીધો. ખ્વાજા ૨ રન બનાવીને આઉટ થયો.