આકાશ દીપ સ્વરૂપે ભારતે દિવસની અંતિમ વિકેટ ગુમાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ રમાઈ રહી છે. જેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસનો ખેલ પૂરો થઈ ગયો છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો બીજો દિવસ આમ તો રોમાંચક રહ્યો. ભારતે શરૂઆતમાં સારી ફાઈટ આપી પરંતુ પછી લથડિયા ખાવા લાગ્યું. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ કરિયરની ૩૪ મી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ ૪૭૪ રનનો વિશાળ સ્કોર કર્યો હતો.. જ્યારે રોહિત શર્મા પહેલીવાર આ પ્રવાસમાં ઓપનર તરીકે ઉતર્યા પરંતુ નિષ્ફળતા મળી હતી. તેઓ અત્યાર સુધી નંબર ૬ પર રમતા હતા અને ત્યાં પણ રન કરી શક્યા નહીં. યશસ્વી જયસ્વાલે દમદાર અડધી સદી પૂરી કરી પરંતુ તે રન આઉટ થઈ ગયો. વિરાટ કોહલી રિધમ મેળવતો જોવા મળ્યો પરંતુ યશસ્વી આઉટ થતા ફોક્સ તૂટ્યું અને પછી તે પણ પેવેલિયન ભેગો થયો. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ૫ વિકેટ ગુમાવીને ૧૬૪ રન કર્યા હતા.
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટે ૩૧૧ રનના સ્કોરને આગળ વધારતા બીજા ૧૪૦ રન જોડ્યા. ઓલઆઉટ થતા પહેલા સ્કોરબોર્ડ પર ૪૭૪ રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો. જેમાં સ્ટીવ સ્મિથે ૧૪૦ રન, સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનની અડધી સદીઓ પણ સામેલ છે. કેપ્ટન પેટ કમિન્સે ૪૯ રન કર્યા. જસપ્રીત બુમરાહે ૪ વિકેટ લીધી.
ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા માટે ઉતરી તો રોહિત શર્મા ઓપનર તરીકે જોવા મળ્યા હતા. જોકે માત્ર ૩ રન કરીને આઉટ થઈ ગયા. ત્યારબાદ કેએલ રાહુલ અને ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે આવ્યા. બંને વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી . પરંતુ ટી બ્રેક પહેલા જ છેલ્લા બોલ પર રાહુલ ક્લિન બોલ્ડ થયો. ત્યારબાદ ત્રીજા સેશનમાં વિરાટ કોહલી ક્રીઝ પર યશસ્વીનો સાથ આપવા માટે આવ્યો. બંને વચ્ચે ૧૦૦ રનની ભાગીદારી થઈ. પરંતુ યશસ્વી ૮૨ રન કરીને રનઆઉટ થયો. વિરાટ કોહલી પણ ૩૬ રન કરીને કેચ આઉટ થયો. આકાશ દીપ સ્વરૂપે ભારતે દિવસની અંતિમ વિકેટ ગુમાવી.