ભારત તરફથી જસપ્રીત બુમરાહે ૪ અને મોહમ્મદ સિરાજે ૩ વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયાની કુલ લીડ ૩૩૩ રન થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો ચોથો દિવસ સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૧૭૩ રનના સ્કોર પર ૯ વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે ભારત બીજી ઇનિંગની શરૂઆત કરશે, પરંતુ નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડે ૧૧૦ બોલમાં ૫૫ રનની અણનમ ભાગીદારી કરીને મેચ ફરી રોમાંચક સ્થિતિમાં લાવી દીધી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટે ૨૨૮ રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની કુલ લીડ ૩૩૩ રન થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન ૪૧ રને અને સ્કોટ બોલેન્ડ ૧૦ રને અણનમ પરત ફર્યા હતા. આ પહેલા માર્નસ લાબુશેને ૭૦ રનની ઇનિંગ રમી હતી અને પેટ કમિન્સે ૪૧ રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ૪ અને મોહમ્મદ સિરાજે ૩ વિકેટ ઝડપી હતી.
આ પહેલા ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં ૩૬૯ રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ ૧૧૪ રનનું યોગદાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૪૭૪ રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને ૧૦૫ રનની લીડ મળી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં શરૂઆત એટલી સારી રહી ન હતી. તેણે ૨૦ રનના સ્કોર પર નવોદિત સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્ટાસ (૮ રન) જસપ્રિત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજાને ૨૧ રનના સ્કોરે બોલ્ડ કર્યો હતુો. આ પછી ભારત જ્યારે વિકેટની તલાસમાં હતું ત્યારે સિરાજે સ્ટીવ સ્મિથ (૧૩)ને આઉટ કર્યો હતો. આ પછી બુમરાહનો જાદુ શરૂ થયો, તેણે પહેલા ૩૪મી ઓવરમાં ટ્રેવિસ હેડ (૧)ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શ (૦૦)ને આઉટ કર્યો.
બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરી હતી. આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી (૨)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે સ્મિથ ૮૦ના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કેરીના આઉટ થયા ત્યાં સુધી માત્ર ૧૧ રન બનાવ્યા હતા અને ૪ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી માર્નસ લાબુશેન અને સુકાની પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે સાતમી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી થઈ હતી.
સિરાજે માર્નસ લાબુશેનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. લાબુશેને ૧૩૯ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૭૦ રન બનાવ્યા હતા. થોડા સમય પછી ભારતને આઠમી સફળતા મળી, જ્યારે મિચેલ સ્ટાર્ક (૫) વિકેટકીપર રિષભ પંતના હાથે રનઆઉટ થયો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ શાનદાર બેટિંગ કરી રહેલા પેટ કમિન્સના રૂપમાં પડી હતી. કમિન્સને રવીન્દ્ર જાડેજાએ સ્લિપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કમિન્સે ૯૦ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૪૧ રન બનાવ્યા હતા. આ પછી નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડની જાેડી ક્રિઝ પર જામી. આ બંને ચોથા દિવસે આઉટ થવાનું નામ લેતા નહોતા. ભારતીય ટીમે કેટલાક કેચ પણ છોડ્યા હતા. દિવસની છેલ્લી ઓવરમાં કેએલ રાહુલે બુમરાહના બોલ પર કેચ પકડ્યો હતો,જો કે નો બોલને કારણે લાયન આઉટ થતા બચી ગયો હતો.