Last Updated on by Sampurna Samachar
પોલીસે બે શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી
ટ્રાફિક જામ દરમિયાન શંકાસ્પદ ગાડી નજરે ચડતા તપાસ કરાઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના નેશનલ હાઇવે નંબર ૪૮ પર APMC માર્કેટ નજીક ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલી પીકઅપ ગાડી ઝડપી પાડવામાં આવી હોવાના સમાચાર હતા. આ કાર્યવાહીમાં ગાડીના ચાલક સહિત બે શખ્સોને પકડવામાં આવ્યા હતા. કપુરાઇ પોલીસે બંને આરોપીઓની પશુ અધિનિયમ હેઠળ ધરપકડ કરી રૂ. ૩૬ હજારની કિંમતના પશુઓ તેમજ ગાડી સહિત કુલ રૂ.૨.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગૌરક્ષા ટીમને બાતમી મળી હતી કે, દેણા ગામથી એક પીકઅપ ગાડીમાં પશુઓ ભરી કતલખાને લઈ જવાશે. બાતમીના આધારે ગૌરક્ષકોએ નેશનલ હાઇવે નંબર ૪૮ પર APMC માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં ટ્રાફિક જામ દરમિયાન શંકાસ્પદ ગાડી નજરે ચડતા તેને સાઈડમાં કરાવવામાં આવી હતી.
પોલીસે પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડ્યા
તપાસ દરમિયાન ગાડીમાં પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર ખીચોખીચ ભરેલા પાંચ પશુઓ મળી આવ્યા હતા. ગાડી ચાલક જયંતિ સના પઢિયાર તથા તેની બાજુમાં બેઠેલો રિઝવાન અયુબ મોઢી હોવાનું જાણવા મળ્યું હતું. બંને પાસે પશુ હેરાફેરી અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બંને આરોપીઓની ધરપકડ કરી પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડ્યા હતા અને સમગ્ર મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.