Last Updated on by Sampurna Samachar
ચિન્મય કૃષ્ણ દાસના વકીલો બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અપીલ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશની કોર્ટે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. હવે હિન્દુ સંતના વકીલ હાઈકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. ઇસ્કોનના પૂર્વ સદસ્યને સઘન સુરક્ષા વચ્ચે સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે કહ્યું, અમને આશા હતી કે તેમને નવા વર્ષમાં મુક્ત કરાશે.’ બાંગ્લાદેશની એક કોર્ટે ઈસ્કોનના પૂર્વ નેતા ચિન્મય કૃષ્ણ દાસને રાજદ્રોહના કેસમાં જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ણા ચેતના (ઈસ્કોન) કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ચિન્મય કૃષ્ણ દાસના વકીલો બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અપીલ કરશે. તેમણે કહ્યું કે ચિન્મય કૃષ્ણ દાસની તબિયત પણ ખરાબ હોવાનું કહેવાય છે.
સરકારી વકીલ એડવોકેટ મુફિઝુલ હક ભુઈયાંએ જણાવ્યું કે, ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામે લગભગ અડધા કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળી. ત્યારબાદ દાસની જામીન અરજી ફગાવી દેવામાં આવી. દાસના વકીલ અપૂર્વ કુમારે કહ્યું કે, હવે જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવાની યોજના બનાવવામાં આવી રહી છે. દાસની ઢાકા પોલીસે ૨૫ નવેમ્બરે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી.
એક દિવસ પહેલા અપૂર્વએ જાણકારી આપી હતી કે, અમે એનજીબી ઓક્યા પરિષદના બેનર હેઠળ ચટગાંવ આવ્યા છીએ અને ચિન્મયના જામીન માટે કોર્ટમાં જઈશું. મને પહેલાથી જ ચિન્મય પાસેથી પાવર ઓફ એટર્ની મળી ચૂકી છે. હું સુપ્રીમ કોર્ટ અને ચટગાંવ બાર એસોસિએશનનો સભ્ય છું. આવી સ્થિતિમાં કેસને આગળ વધારવા માટે મને કોઈ પણ સ્થાનિક વકીલની મહોરની જરૂર નથી.
આ પહેલા પણ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ રવિન્દ્ર ઘોષે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે તેમની પાસે કોર્ટમાં ચિન્મયનો કેસ રજૂ કરવા માટે પાવર ઓફ એટર્ની અને સ્થાનિક વકીલની મહોર નહોતી. ૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજ સૈફુલ ઈસ્લામે સુનાવણી માટે ૨ જાન્યુઆરી નક્કી કરી હતી.