Last Updated on by Sampurna Samachar
ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા
અમિત શાહ પર ટીપ્પણી મામલે થયો હતો કેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટે રાહત આપી છે. રાહુલ ગાંધીને કોર્ટે જામીન મંજુર કર્યા હતા. ઝારખંડના ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતા. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો.
આ વિવાદની શરુઆત રાહુલ ગાંધીના ૨૮ માર્ચ ૨૦૧૮માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઈ હતી. જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે ૯ જુલાઈ ૨૦૧૮ના રોજ પ્રતાપ કટિહારે ચાઇબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતા પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા ન હતા. છેવટે ૨૬ જૂને કોર્ટે તેમને હાજર કરવા માટે બિન જામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ કર્યો હતો.
ફરીવાર કેસ ચાઇબાસા શિફ્ટ કરાયો
રાહુલ ગાંધીએ તેની સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસ અગાઉ ચાઇબાસા સીજેએમ કોર્ટમાંથી રાંચીમાં આવેલી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો પણ પછીથી જ્યારે ચાઇબાસામાં એમપી-એમએએલ સ્પેશિયલ કોર્ટની રચના થઈ તો ફરીવાર કેસ ચાઇબાસા શિફ્ટ કરાયો હતો.
૨૦૧૮માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપમાં કોઈપણ ખૂની કેન્દ્રીય અધ્યક્ષ બની શકે છે. આ નિવેદન સામે ચાઇબાસામાં પ્રતાપ કટિહાર દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે તેમની જામીન અરજી સ્વીકારી અને કેસમાં આગળની કાર્યવાહીનો આદેશ આપ્યો. બંને પક્ષો વતી કોર્ટમાં કઈ જુબાની રજૂ કરવામાં આવશે. આ પછી જે પણ ર્નિણય લેવામાં આવશે તે સંપૂર્ણપણે કોર્ટ પર ર્નિભર છે.