Last Updated on by Sampurna Samachar
ડમ્પરનું પાછળનું વ્હીલ પત્નીના માથે ફરી વળતા મોત નિપજ્યું
પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વાળીનાથ ચોક નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દંપતી પૈકી પત્નીનું માથું છુંદાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કરૂણ ઘટનાના કેમેરા ફૂટેજ પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય ગાયત્રીબેન પ્રજાપતિ તેમના પતિ મનોજભાઈ સાથે એક્ટિવા પર પાંજરાપોળ સ્થિત હોસ્પિટલમાં તેમના જમાઈની ખબર પૂછવા જઈ રહ્યા હતા.
બંને દીકરીઓએ પોતાની માતા ગુમાવી
જ્યારે આ દંપતી વાળીનાથ ચોક પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યું, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા AMC ના ડમ્પરચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું. દુર્ભાગ્યવશ, ગાયત્રીબેન રોડ પર પડ્યા કે તરત જ ડમ્પરનું પાછળનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું.
ગંભીર ઈજા થવાને કારણે ગાયત્રીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ મનોજભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક ગાયત્રીબેન ઘરકામ કરતા હતા અને તેમને ૧૨ વર્ષની અને ૨૩ વર્ષની એમ બે દીકરીઓ છે. આ ગમખ્વાર અકસ્માતમાં તેમની બંને દીકરીઓએ પોતાની માતા ગુમાવી છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.