Last Updated on by Sampurna Samachar
માત્ર ૧૧ દિવસની અંદર દંપતી પાસેથી ૨૧.૯ લાખ પડાવ્યા
દંપતી પર સતત દબાણ બનાવી અલગ અલગ શેરમાં રોકાણ કરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં સાયબર ફ્રોડનો એક મોટો કેસ સામે આવ્યો છે, જ્યાં એક દંપતીને શેર ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપીને ૨૧.૯ લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ફ્રોડ વોટસએપ ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે, જેમાં રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફ્રોડનો શિકાર બનેલું દંપતી બદલાપુરનું રહેવાસી છે. નવેમ્બર મહિનામાં તેમને નામના એક વોટસએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. ગ્રુપમાં હાજર કથિત એક્સપર્ટ દ્વારા શેરબજારમાં સુરક્ષિત અને વધારે નફો કમાવવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. શરૂઆતમાં નાની રકમ રોકાણ કરાવવામાં આવી, જેનાથી દંપતિનો વિશ્વાસ વધ્યો.
સોશિયલ મીડિયા પરના રોકાણ પ્રસ્તાવથી સાવધાન રહેવા સલાહ
ત્યારબાદ સાયબર ઠગોએ દંપતી પર સતત દબાણ બનાવીને અલગ અલગ શેરમાં રોકાણ કરાવ્યું. માત્ર ૧૧ દિવસની અંદર જ દંપતીએ કૂલ ૨૧.૯ લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું અને થોડા સમય પછી જ્યારે પીડિતોને પોતાની મૂળ રકમ અને કથિત નફો કાઢવાનો પ્રયત્ન કર્યો તો તેમને એવું કરવાથી રોકવામાં આવ્યા, ત્યારબદા તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ ચૂકી છે.
ઠગાઈ થઈ હોવાની જાણ થવા પર પીડિત દંપતિએ પોલીસનો સંપર્ક કર્યો, કેસની તપાસ બાદ પોલીસે અજાણ્યા સાયબર ઠગોની વિરૂદ્ધ છેતરપિંડી સહિત અન્ય કલમો હેઠળ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે ઠગોની ઓળખ કરવા માટે ટેક્નિકલ મદદ, બેન્ક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ફુટપ્રિન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તે સોશિયલ મીડિયા કે વોટસએપ ગ્રુપ દ્વારા મળનારા રોકાણ પ્રસ્તાવથી સાવધાન રહે, તપાસ કર્યા વગર કોઈ પણ સ્કીમમાં પૈસાનું રોકાણ ના કરે અને શંકાસ્પદ ગતિવિધિની તરત જ જાણ પોલીસ કે સાયબર હેલ્પલાઈન પર કરે.