Last Updated on by Sampurna Samachar
અકસ્માતોને રોકવા માટે તંત્રએ બનાવ્યો એક્શન પ્લાન
બ્રિજ પર લોખંડના સુરક્ષા તાર બાંધવાની કામગીરી તેજ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતનો લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આકાશમાં ઉડતી પતંગોની કાચ પાયેલી દોરી વાહનચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. ખાસ કરીને ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ દર વર્ષે સામે આવે છે. આ તહેવાર કોઈના પરિવાર માટે માતમમાં ન ફેરવાય તે હેતુથી અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ બ્રિજ પર લોખંડના સુરક્ષા તાર બાંધવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં જ્યાં સૌથી વધુ અકસ્માત થવાની સંભાવના છે તેવા ૬ મુખ્ય બ્રિજ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે.આ બ્રિજ પર લોખંડના તાર લગાવવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે બ્રિજ પર કામગીરી શરૂ કરાઈ છે. તેમાં ગુરુજી બ્રિજ, ચાંદલોડિયા બ્રિજ, ગોતા બ્રિજ, ચાણક્યપુરી બ્રિજ, જીવરાજ બ્રિજ અને ધરણીધર બ્રિજનો સમાવેશ થાય છે.
કોર્પોરેશને નાગરિકોની સુરક્ષા માટે સરાહનીય પગલાં લેવાયા
વડોદરા કોર્પોરેશન દ્વારા પણ નાગરિકોની સુરક્ષા માટે સરાહનીય પગલાં લેવામાં આવ્યા છે. શહેરના કુલ ૧૭ ફ્લાય ઓવરબ્રિજ પર સેફ્ટી તાર લગાવવામાં આવ્યા છે. જેતલપુર, અટલાદરા, હરીનગર અને ફતેહગંજ જેવા વ્યસ્ત વિસ્તારોના બ્રિજ પર તાર લગાવીને ટુ-વ્હીલર ચાલકોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરાયો છે.
આ અંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકોને પતંગની દોરીથી ગંભીર ઈજા ન થાય તે માટે કોર્પોરેશન કટિબદ્ધ છે. અમે તમામ મુખ્ય બ્રિજ પર તાર લગાવી દીધા છે, તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે ટુ-વ્હીલર ચાલકોને અપીલ છે કે તેઓ ગળામાં સ્કાફ કે મફલર પહેરીને જ બહાર નીકળે.”
સ્થાનિક રહિશો અને વાહનચાલકોએ કોર્પોરેશનની આ તકેદારીને બિરદાવી છે. લોકોનું કહેવું છે કે, બ્રિજ પર તાર લગાવવાથી અકસ્માતનો ભય ઓછો થાય છે અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય છે. તંત્રની આ કામગીરીની સાથે જો લોકો પોતે પણ સાવચેતી રાખે, હેલ્મેટ પહેરે અને ગળામાં સુરક્ષા કવચ રાખે, તો આ ઉત્તરાયણ ખરા અર્થમાં આનંદદાયક બની રહેશે.