Last Updated on by Sampurna Samachar
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો બનાવ
સમગ્ર મામલે ઈન્ચાર્જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગેટ ટુ ગેધરના નામે નોનવેજ પીરસવામાં આવતા વિવાદ ઊભો થયો છે. ગોડાદરાની શાળામાં મંજૂરી વિના જ બિન શાકાહારી ભોજન પીરસાયું છે. સમગ્ર શિક્ષણ જગતને આંચકો આપનારી આ ઘટનાને પગલે શાળાના આચાર્ય, નિરીક્ષક સીઆરસી, યુઆરસી સહિત પાર્ટીમાં હાજર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લઈ સસ્પેન્ડ કરવાની માંગણી ઊઠી છે, ત્યારે સમગ્ર મામલે ઈન્ચાર્જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમિતિના ભાજપના એક સભ્યએ બચાવવા માટે ભારે ધમપછાડા કર્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક નં.૩૪૨, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળામાં રજાને દિવસ ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું હતું. શાળા બહાર તેલુગુ ભાષામાં બેનર લાગ્યું હતું. જેમાં વર્ષ ૧૯૮૭ થી ૧૯૯૧ બેચના પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ એવું લખેલું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં ટેબલ ખુરશી મુકી રીતસરનો જમણવાર યોજાયો હતો. જેમાં નોનવેજ વાનગીઓ પીરસવામાં આવતા વિવાદ સર્જાયો હતો.
સ્ટાફ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ
સમગ્ર મામેલ સુરેશ સુહાગીયા નામના વ્યક્તિના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આચાર્યના નાક નીચે થયેલા નોનવેજ વાનગીના જમણનો વીડિયો સામે આવતા શિક્ષણના નામે થઈ રહેલા વિવિધ વેપારથી સમિતિની આબરૂના લીરેલીરા ઉડયા છે. આ પાર્ટીમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય પ્રભાકર એળીગીટી પણ હાજર હતા અને તેમની સાથે અન્ય લોકો પણ હતા.
આ ઘટના બહાર આવતા ઈન્ચાર્જ આચાર્યને બચાવવા માટે ભુતકાળમાં કેટલાક વિવાદમાં સંડોવાયેલા શિક્ષણ સમિતિના એક સભ્યએ પ્રયાસ શરૂ કર્યા છે. જોકે, સમિતિની શાળામાં મંજૂરી વિના નોનવેજ પાર્ટીના કારણે ભારે ઉહાપોહ થતાં શાળાના આચાર્ય, નિરીક્ષક તરીકે જવાબદારી સંભાળતા સીઆરસી, યુઆરસી સહિત ગેટ ટુ ગેધરમાં હાજર રહેનારા શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી ઊઠી હતી.
મ્યુનિ. દ્વારા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ કોમ્યુનિટી હોલમાં પણ નોનવેજ પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે શાળામાં નોનવેજ પીરસવામાં આવે તો તેની ગંભીરતા વધી જાય છે. આ અંગે સુરત કોંગ્રેસે કહ્યું કે, શાળા જેવા પવિત્ર સ્થળે કોઈ પણ મંજૂરી વિના આવા કાર્યક્રમ થાય છે, તે ચિંતાનો વિષય છે. શાળામાં નોનવેજ પાર્ટી તો કોઈપણ સંજાેગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે આકરા પગલાં ભરાવવા જ જાેઈએ.
શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાને આ પાર્ટી અંગે પૂછતાં તેઓ અજાણ હતા અને કહ્યું કે, શાળામાં સામાન્ય ભોજન માટે પણ મંજૂરી આપવામાં આવતી નથી તો ચીકન પાર્ટી માટે મંજૂરીની વાત જ આવતી નથી. આ વાત ધ્યાને આવી છે, આચાર્યને ખુલાસો પૂછવામાં આવશે અને તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરાશે. ઈન્ચાર્જ શાસનાધિકારી પણ આ નોનવેજ પાર્ટી અંગે અજાણ હતા અને તેઓએ પણ તપાસ કરવાની વાત કરી હતી.