Last Updated on by Sampurna Samachar
કોર્ટ પરિસરમાં જજ અને વકીલ વચ્ચે તીખી તકરાર
સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાનું ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનારા એડવોકેટના સ્વાગત દરમિયાન જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી, આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દ્રશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા.
એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થકો અને જજ વચ્ચે થયેલી આ તકરારે કાયદાકીય આલમમાં ચર્ચા જગાવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિજયના ઉત્સાહ અને કોર્ટના પ્રોટોકોલ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. અનિરુદ્ધસિંહ ઝાલા ત્રીજી વખત બાર કાઉન્સિલમાં ચૂંટાઈ આવતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ કોર્ટ બહાર થયેલી આ માથાકૂટે વિજયના ઉત્સવમાં થોડો વિવાદ ભેળવી દીધો છે.