Last Updated on by Sampurna Samachar
લોકતંત્ર પર પ્રહાર અને સંસદનું અપમાન ગણાવ્યું
ભાજપના વિરોધ પર આપ્યો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદમાં શિયાળા સત્રની શરુઆત થઈ ગઇ છે. જે લગભગ ૧૯ દિવસનો રહેશે પરંતુ તેમાં ૧૫ જ બેઠકો થશે જેના કારણે આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઇતિહાસ બનાવશે. વિપક્ષ દળો આ વખતે સંસદ સત્રમાં SIR , આંતરિક સુરક્ષા અને લેબર કોડ અંગે ચર્ચાની માંગ કરી રહ્યા છે. તેમજ સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી તેમના પાલતું કૂતરાંને ગાડીમાં લઈને સંસદ ભવન પહોંચતા જ એક મોટો વિવાદ ઊભો થયો હતો.

ભાજપે તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે. જ્યારે આ મામલે રેણુકા ચૌધરીને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, આમાં શું તકલીફ છે? મૂંગું જાનવર અંદર આવી ગયું તો શું તકલીફ છે, આ કરડવાવાળું નથી, કરડવાવાળા તો સંસદની અંદર છે!
ભાજપ સાંસદની રેણુકા ચૌધરી સામે કાર્યવાહીની માંગણી
કોંગ્રેસ સાંસદના આ નિવેદન પર ભાજપના સાંસદ જગદંબિકા પાલે આકરી પ્રતિક્રિયા આપી હતી. જગદંબિકા પાલે આ સમગ્ર ઘટનાને લોકતંત્ર પર પ્રહાર અને સંસદનું અપમાન ગણાવતાં રેણુકા ચૌધરી સામે કાર્યવાહીની માગણી કરી. તેમજ પાલે ભારપૂર્વક જણાવ્યું કે, સંસદ એ દેશની નીતિઓ પર ચર્ચા કરવાનું સ્થળ છે, તેથી સાંસદોને મળેલા વિશેષાધિકારોનો દુરુપયોગ ન થવો જોઈએ. સંસદમાં પોતાના ડોગને લઈને આવ્યા અને તેના પર જે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, તે દેશને શરમાવે છે… તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ.
રેણુકા ચૌધરીએ સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, એક મહિનાનું સંસદ સત્ર ઘટાડીને પંદર દિવસનું શા માટે કરી દેવામાં આવ્યું ? તે શું તમે ગભરાઈ રહ્યા છો કે ગૃહમાં અમે કયા મુદ્દા ઉઠાવીશું, જેના કારણે તમે એક મહિનાનું સત્ર ઘટાડીને માત્ર પંદર દિવસનું રાખ્યું છે ? શું મુદ્દાઓ ઓછા હતા, કેમ આવું કર્યું?