Last Updated on by Sampurna Samachar
ઈન્ફ્લુએન્ઝરની રીલથી ભડક્યું બજરંગ દળ
ગરબામાં થતી અશ્લિલ હરકતો નિંદાને પાત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં ગરબા આયોજનમાં હીન્દી ગીત પર મહિલાએ રીલ્સ બનાવતા વિવાદ થયો છે. ગરબામાં લૈલા ઓ લૈલા ગીત પર મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બનાવેલી રીલ્સ વાયરલ થઈ હતી. જેના બાદ બજરંગ દળના કાર્યકરો ગરબા સ્થળે પહોંચ્યા હતા અને આયોજકોને ગરબામાં હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા સૂચના અપાઈ.

સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના ગરબામાં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે નવરાત્રિના ગરબાના સ્થળે ‘લેલા ઓ લેલા’ હિન્દી ફિલ્મ સોંગ પર રીલ્સ બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. બજરંગ દળના કાર્યકરોને આ વીડિયોની જાણ થતાં તેઓ ગ્રીન સિટી પહોંચ્યા હતા અને સોસાયટીના આયોજકો સાથે વાત કરીને આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો હતો.
વડોદરા, રાજકોટ બાદ હવે સુરતમાં વિવાદ
તેમણે આયોજકોને ભવિષ્યમાં નવરાત્રિ દરમિયાન આવા હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા માટે અને લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સૂચના આપી હતી. આમ, વડોદરા, રાજકોટ બાદ હવે સુરતથી વિવાદ સામે આવ્યો છે. સુરતમાં ગરબામાં હિન્દી ફિલ્મના ગીત પર રીલ બનાવાતા વિવાદ સર્જાયો છે. ગરબામાં લૈલા ઓ લૈલા ગીત પર રીલ બનાવતા લોકો ભડક્યા હતા.
ગરબામાં થતી અશ્લિલતાથી ખેલૈયામાં રોષ ફેલાયો
આ વિશે ખેલૈયાઓએ કહ્યું કે, કેટલાક લોકોના કારણે વાતાવરણ બગડે છે. ગરબામાં અશ્લીલ હરક્ત ન કરવી જોઈએ. આરાધનાના પર્વમાં આવી હરકત અશોભનિય છે. ગરબામાં થતી અશ્લિલ હરકતો નિંદાને પાત્ર છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવી આપણી ફરજ છે.