Last Updated on by Sampurna Samachar
મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે
લોકોએ નિવેદન પર આપી વિવિધ પ્રતિક્રિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા કિરોડી લાલ મીણા ફરી એકવાર પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દૌસાના કાલવાન ગામમાં એક જાહેર મંચ પરથી તેમણે સ્વીકાર્યું કે તેઓ માત્ર ભાષણ આપીને જનતાને મૂર્ખ બનાવવા અને વોટ લઈને ચૂંટણી જીતવાની કળા જાણે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભક્ત મીરાના પ્રસંગ પર બોલતી વખતે તેમણે આ વાત કહી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાલવાન ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં, મીરા અને કૃષ્ણના પ્રસંગો સંભળાવતી વખતે કિરોડી લાલ મીણા બોલ્યા, “‘મીરાએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી હતી.
આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરુ
તમે સૌ જાણો છો, હું તો આ વિષયમાં વધારે સમજતો નથી. અમારે તો જનતાની વચ્ચે આવવાનું, ભાષણ આપીને મૂર્ખ બનાવવાના, વોટ લઈ જવાના, ચૂંટણી જીતી જવાની, આ થોડી ઘણી કળા હું જાણું છું, વધારે તો હું નથી જાણતો.’
આ વિવાદાસ્પદ ટિપ્પણી પહેલા અને પછી, તેમણે મીરાની ભક્તિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભક્તિથી વ્યક્તિને શક્તિ મળે છે અને મીરા ભગવાન કૃષ્ણની ભક્તિમાં એટલી તલ્લીન થઈ ગઈ હતી કે તે પોતાના તમામ સુખ-દુ:ખ ભૂલી ગઈ હતી. તેમણે કહ્યું, “જ્યારે મીરાને ઝેરનો પ્યાલો પીવડાવવામાં આવ્યો, ત્યારે ભગવાન કૃષ્ણ મીરાના શરીરમાં પ્રવેશ કરીને પોતે જ તે ઝેર પી ગયા અને મીરાને બચાવી લીધી. એ શક્તિ આજે મારી પાસે નથી, કારણ કે તે ભગવાન હતા.”
જોકે, ભાષણના આ સારા પાસાને બદલે, “જનતાને મૂર્ખ બનાવવાની” તેમની ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરુ થઈ ગઈ છે અને લોકો તેમના નિવેદન પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે મીરા અને કૃષ્ણની ૧૦-૨૦ ટકા વાતો પણ અપનાવી લઈએ તો આજે જે માહોલ બગડ્યો છે તે સુધરી જશે.