કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં

કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે : ખડગે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

કેરળમાં આગામી ૯ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટે અત્યારે ત્યાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ ચૂંટણી પ્રચાર વચ્ચે આજે (૫ એપ્રિલ) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એવું નિવેદન આપ્યું છે, જેને કારણે એક નવો જ રાજકીય વિવાદ ઊભો થઈ ગયો છે.

પોતાના ભાષણ દરમિયાન ખડગેએ ગુજરાતની પ્રજાને સીધી રીતે અશિક્ષિત અને અભણ ગણાવી દીધી છે. તેમના આ નિવેદન બાદ ભાજપ પણ મેદાનમાં આવ્યું છે અને આને સમગ્ર ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે. કેરળમાં એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમણે ગુજરાતની પ્રજાનું અપમાન કરી દીધું.

ગુજરાતના રાજકારણમાં ગરમાવો

ખડગેએ પોતાના ભાષણમાં કહ્યું કે, “કેરળના લોકોને ગેરમાર્ગે દોરવાનું કે ભટકાવવાનું કામ ન કરશો. અહીંના લોકો ખૂબ જ હોંશિયાર અને ભણેલા ગણેલા છે. મોદીજી અને વિજયન (કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”

તેમણે આગળ કહ્યું કે, “કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા પણ મોકલી રહ્યા છે.”

ખડગેના આ નિવેદનનો વીડિયો સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી છે. ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે.

ધવલ પટેલે સવાલો ઉઠાવતા કહ્યું કે, “કોંગ્રેસના નેતાના દિલમાં ગુજરાતીઓ પ્રત્યે કેટલી હદે નફરત ભરેલી છે, તે આજે ફરી એકવાર જાહેરમાં છતું થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓ અવારનવાર ગુજરાત અને ગુજરાતીઓ વિશે આવા હલકા નિવેદનો કરતા હોય છે.”

માત્ર મલ્લિકાર્જુન ખડગે જ નહીં, પરંતુ ધવલ પટેલે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ ઘેર્યા છે. તેમણે કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર ફેંકતા પૂછ્યું છે કે, “તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓને અભણ કહી રહ્યા છે, ત્યારે હવે તમારે નક્કી કરવાનું છે કે તમે ગુજરાત અને ગુજરાતીઓની સાથે છો કે પછી આવી નફરત ફેલાવતી કોંગ્રેસ પાર્ટીની સાથે?”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.