Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલ અંગે નિવેદનથી મધ્યપૂર્વમાં હોબાળો
આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલ અંગે અમેરિકન રાજદૂત માઈક હુકાબીના એક વિવાદાસ્પદ નિવેદનથી મધ્યપૂર્વ અને મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. હુકાબીએ દાવો કર્યો છે કે, ‘મધ્યપૂર્વના મોટાભાગના હિસ્સા પર ઈઝરાયલનો અધિકાર છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જો ઈઝરાયલ આ વિસ્તાર પર કબજો કરી લે તો પણ ઠીક છે.

હવે અમેરિકન રાજદૂતના આ નિવેદનની સાઉદી અરેબિયા, ઈજિપ્ત, જોર્ડન અને આરબ લીગ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. આ નિવેદન તેમણે અમેરિકન રૂઢિચુસ્ત વિવેચક ટકર કાર્લસનને આપેલા ઈન્ટરવ્યુમાં આપ્યું હતું. ચર્ચા દરમિયાન કાર્લસને બાઈબલના સંદર્ભમાં પૂછ્યું હતું કે શું ઈઝરાયલનો એ પ્રદેશ પર અધિકાર છે, જે હાલમાં મધ્યપૂર્વના મોટા હિસ્સામાં ફેલાયેલો છે?
હુકાબીના નિવેદન પર વિવિધ રાજ્યોની લીગે વાંધો ઉઠાવ્યો
તેના પર હુકાબીએ જવાબ આપ્યો કે, ‘જો ઈઝરાયલ બધું લઈ લે, તો પણ ઠીક રહેશે.‘ જાેકે, તેમણે એ પણ ઉમેર્યું કે, ‘ઈઝરાયલ હાલમાં વિસ્તાર વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યું અને તેને પોતાની કાયદેસર સરહદોની અંદર સુરક્ષાનો અધિકાર છે.
હુકાબીના આ નિવેદન પર સાઉદી અરેબિયા, ઈજિપ્ત, જોર્ડન, ઈસ્લામિક સહયોગ સંગઠન અને આરબ રાજ્યોની લીગએ સખત વાંધો વ્યક્ત કર્યો છે. સાઉદી અરેબિયાએ તેને “અત્યંત કટ્ટરપંથી” ગણાવ્યું, જ્યારે ઇજિપ્તે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. આરબ લીગે કહ્યું કે, આવા નિવેદનો પ્રદેશમાં ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવનાઓને ભડકાવે છે.
તમને જણાવી દઈએ કે, ૧૯૪૮માં સ્થાપના બાદથી ઈઝરાયલની સરહદો અનેક યુદ્ધો અને કરારોને કારણે બદલાતી રહી છે. ૧૯૬૭ના છ દિવસના યુદ્ધમાં ઈઝરાયલે વેસ્ટ બેંક, પૂર્વ જેરુસલેમ, ગાઝા, સિનાઈ દ્વીપકલ્પ અને ગોલાન હાઇટ્સ પર કબજો કરી લીધો હતો. બાદમાં ઈજિપ્ત સાથે શાંતિ કરાર હેઠળ તે સિનાઈથી હટી ગયું અને ૨૦૦૫માં ગાઝાથી એકતરફી વાપસી કરી.
હાલમાં ગાઝામાં હમાસ સાથે યુદ્ધ અને યુદ્ધવિરામની પૃષ્ઠભૂમિમાં ઈઝરાયલ અડધાથી વધુ પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે. વેસ્ટ બેંકમાં વસાહતો અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું છે કે, તેઓ વેસ્ટ બેંકના વિલયની મંજૂરી નહીં આપશે. પેલેસ્ટિનિયનો દાયકાઓથી વેસ્ટ બેંક અને ગાઝામાં પૂર્વ જેરુસલેમને રાજધાની બનાવીને એક સ્વતંત્ર રાજ્યની માગ કરી રહ્યા છે, જેને આંતરરાષ્ટ્રીય સમુદાયના મોટા હિસ્સાનું સમર્થન પ્રાપ્ત છે.
તમને જણાવી દઈએ કે, હુકાબીના આ નિવેદનમાં ઈઝરાયલના જે ભૂભાગ પર દાવાની વાત કરવામાં આવી છે, તેને ‘ગ્રેટર ઈઝરાયેલ‘ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ટકર કાર્લસને આ સવાલ પૂછ્યો, ત્યારે તેમનો ઈશારો એ વિસ્તારો તરફ હતો જે અત્યારના ઈઝરાયલ ઉપરાંત પેલેસ્ટાઈન, જાેર્ડન, લેબનોન, સીરિયા અને ઈજિપ્ત તેમજ ઈરાકના કેટલાક ભાગોને આવરી લે છે. આ એક અત્યંત વિવાદાસ્પદ અને સંવેદનશીલ વિષય છે, કારણ કે તે આજના મધ્ય પૂર્વના ભૌગોલિક અને રાજકીય નકશાને સીધી અસર કરે છે.
બાઈબલના સંદર્ભમાં એવો ઉલ્લેખ છે કે ભગવાને અબ્રાહમ અને તેમના વંશજોને ‘ઈજિપ્તની નદી‘ (નાઇલ)થી લઈને ‘યુફ્રેટીસ નદી સુધીની જમીન આપવાનું વચન આપ્યું હતું.