Last Updated on by Sampurna Samachar
‘ઓપરેશન સિંદૂર‘ હજી સમાપ્ત થયું નથી , એડમિરલ ત્રિપાઠીએ કહ્યું
નેવીની ઓપરેશનલ સજ્જતા પર ભાર મૂક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ એક મહત્ત્વનું નિવેદન આપીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલું ‘ઓપરેશન સિંદૂર‘ હજી સમાપ્ત થયું નથી. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું છે કે ‘ભારતીય નેવીએ ઉત્તરી અરબ સાગરમાં કેરિયર બેટલ ગ્રૂપ તહેનાત કર્યું છે, અને આક્રમક તહેનાતીથી પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.

પ્રેસ કોન્ફરન્સમાં એડમિરલ દિનેશ ત્રિપાઠીએ નેવીની ઓપરેશનલ સજ્જતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, અને તેથી, બધી વિગતો જાહેર કરી શકાતી નથી. છેલ્લા સાત મહિનાથી નેવી ઉત્તર અરબ સાગરમાં સતત હાઇ-ટેમ્પો ઓપરેશન ચલાવી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.
ભારતીય નેવી વિશ્વની શક્તિશાળી નેવીમાંથી એક
ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, ‘અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સતત ઓપરેશનલ તૈયારીઓ જાળવી રાખી છે. દરેક જહાજ અને દરેક સૈનિક કોઈપણ ક્ષણે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘માં દરિયાઈ સુરક્ષા અને નેવીની શક્તિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. એડમિરલ ત્રિપાઠીએ આ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી મોદીએ દિવાળી પર INS વિક્રાંતમાં રાત વિતાવી હતી અને નેવીની બહુપક્ષીય ક્ષમતાઓને નજીકથી જોઈ હતી.
એડમિરલ ત્રિપાઠીએ આગામી નેવી દિવસની ઉજવણી અને નેવીની નવી શક્તિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ‘દર વર્ષે ચોથી ડિસેમ્બરે ઉજવાતો નેવી દિવસ આ વર્ષે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગયા વર્ષના નેવી દિવસથી અત્યાર સુધીમાં નેવીએ એક નવી સબમરીન અને ૧૨ નવા યુદ્ધ જહાજોને કાર્યરત કર્યાં છે. જેમાં INS ઉદયગિરી ભારતીય નેવીનું ૧૦૦મું યુદ્ધ જહાજ બન્યું છે.
એડમિરલ ત્રિપાઠીએ અંતમાં કહ્યું કે, ‘અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સતત ઓપરેશનલ તૈયારીઓ જાળવી રાખી છે. દરેક જહાજ અને દરેક સૈનિક કોઈપણ ક્ષણે તૈયાર છે. પછી ભલે તે ઓપરેશન સિંદૂર હોય, રાતા સાગરમાં હુથીઓને પાઠ ભણાવવાનો હોય, ચાંચિયાઓને પકડવાનો હોય, કે શ્રીલંકાને રાહત પૂરી પાડવાનો હોય – ભારતીય નેવી વિશ્વની સૌથી સતર્ક, સૌથી શક્તિશાળી અને સૌથી માનવતાવાદી નેવીમાંની એક છે.‘