Last Updated on by Sampurna Samachar
સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી
શરૂઆતમાં પિયુષભાઈનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ ૨૭,૨૮૫ અને ૮૫,૦૦૦ રૂપિયાનો નફો તેમના ખાતામાં જમા કરાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ હવે ભણેલા-ગણેલા વર્ગને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ ૭૦.૬૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફો આપી બાદમાં મોટી રકમનું રોકાણ કરાવી વેબસાઈટ અને આઈડી બદલી નાખી ઠગાઈ કરવામાં આવી હતી.

મલતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા ૩૯ વર્ષીય પિયુષ કૃષ્ણમુરારી માલવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂન ૨૦૨૫માં ટેલિગ્રામ પર શેરબજારની એક જાહેરાત જોતી વખતે પિયુષભાઈનો સંપર્ક ‘સંજના‘ નામની વ્યક્તિ સાથે થયો હતો. પિયુષભાઈને ટ્રેડિંગમાં રસ હોવાથી ઠગે તેમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા હતા.ઠગોએ પહેલા એક લિંક મોકલી આધાર અને પાન કાર્ડ દ્વારા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું.
ટેલિગ્રામ આઈડી અને વેબસાઈટ દ્વારા તેઓ રોકાણ કરતા હતા
ત્યારબાદ શરૂઆતમાં પિયુષભાઈનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ ૨૭,૨૮૫ અને ૮૫,૦૦૦ રૂપિયાનો નફો તેમના ખાતામાં જમા કરાવ્યો હતો. રોકાણ કરવા માટે પ્રોફેસરને ટેલીગ્રામ ચેટ દ્વારા અલગ-અલગ બેન્ક ખાતાની વિગતો મોકલવામાં આવતી હતી. ૨૭-૬-૨૦૨૫થી ૧૬-૭-૨૦૨૫ સુધીમાં તેમની પાસે ૧૭,૬૫,૦૦૦ અને ત્યારબાદ ૧૭-૭-૨૦૨૫થી ૧-૮-૨૦૨૫ દરમિયાન બીજા ૫૩,૦૦,૦૦૦ એમ કુલ ૭૦,૬૫,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વેબસાઈટ પર તેમને ૨,૩૫,૬૬૪ યુએસ ડૉલરનો નફો થયો હોવાનું આભાસી ચિત્ર બતાવવામાં આવતું હતું.
જ્યારે પિયુષભાઈએ પોતાનો નફો અને મુદલ રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ઈન્કમ ટેક્સ ભરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી હતી. આ સમયે તેમને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે ટેલિગ્રામ આઈડી અને વેબસાઈટ દ્વારા તેઓ રોકાણ કરતા હતા તે બદલાઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.