Last Updated on by Sampurna Samachar
ગુજરાત યુનિવર્સિટી તોડફોડની ઘટનાને કુલપતિની પ્રતિક્રિયા
તંત્રએ આ મામલે તપાસ સમિતિની નિમણૂક કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ભવનમાં થોડા દિવસો અગાઉ NSUI દ્વારા કરવામાં આવેલી તોડફોડના મામલે કુલપતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. કુલપતિએ આ ઘટનાને યુનિવર્સિટીની છબી ખરડવા માટેનું કાવતરું ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, શૈક્ષણિક સંકુલમાં આવી અરાજકતા ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે કાયદાકીય તેમજ શિસ્તભંગના કડક પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટનાની વિગત મુજબ, અટલ કલામ ભવનમાં આયોજિત એક પ્રદર્શનમાં ૧૬ ફેબ્રુઆરીથી વિવિધ સમાચાર પત્રોના કટિંગ્સ સહિત સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના ઐતિહાસિક પત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન ૧૬ થી ૨૩ ફેબ્રુઆરી સુધી શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું અને તે દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કે NSUI તરફથી કોઈ વિરોધ કે રજૂઆત કરવામાં આવી નહોતી. જોકે, અચાનક NSUI ના કાર્યકર્તાઓ અને નેતાઓએ કોઈ પણ પૂર્વ સૂચના કે રજૂઆત વગર પ્રદર્શનમાં તોડફોડ કરી પોસ્ટરો અને સામગ્રી ફાડી નાખી હતી.
સુરક્ષાકર્મીઓ બદલી નાખવામાં આવ્યા
કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, આ તોડફોડ કોઈ આવેશમાં આવીને કરેલું કૃત્ય નથી પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું. એક ધર્મ વિશે વાણીવિલાસ કરવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.
યુનિવર્સિટી તંત્રએ આ મામલે તપાસ સમિતિની નિમણૂક કરી છે અને CCTV ફૂટેજના આધારે તોડફોડ કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ પૂરતું વિદ્યાર્થીઓના હિતમાં પ્રવેશ રદ કરવાનો ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષામાં બેદરકારી બદલ સિક્યોરિટી એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારીને સુરક્ષાકર્મીઓ બદલી નાખવામાં આવ્યા છે.