Last Updated on by Sampurna Samachar
છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનો ગાંજો ઝડપાયો
આ મામલે પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્કની તપાસ તેજ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
RICO પોલીસે ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી વિરૂદ્ધ હાથ ધરેલી મોટી કાર્યવાહીમાં લક્ઝરી કારમાંથી કરોડોની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્કની તપાસ તેજ કરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક પુષ્પેન્દ્ર સિંહ રાઠોડના કડક નિર્દેશો હેઠળ સરહદી વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન છાપરી ચેકપોઇન્ટ પર સ્ટેશન હાઉસ ઓફિસર લક્ષ્મણ સિંહ ચંપાવતના નેતૃત્વમાં વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ લક્ઝરી કારને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારના ગુપ્ત ખાનાઓમાંથી ૨૦ કિલો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનું અનુમાન છે.
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પરથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ નશાનો જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી લાવવામાં આવ્યો હતો અને તેને ગુજરાતના પાલનપુર સુધી પહોંચાડવાનો હતો. જો કે, પાલનપુર પહોંચે તે પહેલા જ પોલીસે બાતમીના આધારે આ ખેપ ઝડપી લીધી હતી. પોલીસે ડ્રગ્સ સાથે કારમાં સવાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ગુજરાત સરહદે વધતી જતી માદક દ્રવ્યોની હેરાફેરીને રોકવા માટે પોલીસ હવે વધુ સતર્ક બની છે, અને આગામી દિવસોમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.