Last Updated on by Sampurna Samachar
સંચાર સાથી‘ એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર
કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી સ્પષ્ટતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોબાઇલ હેન્ડસેટ્સમાં ‘સંચાર સાથી‘ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાના ટેલિકમ્યુનિકેશન વિભાગના આદેશ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ આ એપને સીધી રીતે ‘જાસૂસી એપ‘ ગણાવી હતી. પરંતુ વિપક્ષના ભારે વિરોધ બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરી કે આ એપ્લિકેશન ફોનમાં રાખવી જરૂરી નથી. યુઝર્સ તેને ડિલીટ પણ કરી શકશે.

પ્રિયંકા ગાંધીએ આ આદેશને નાગરિકોના ‘પ્રાઈવસીના અધિકાર‘નું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘દરેક વ્યક્તિને પોતાના પરિવાર અને મિત્રો સાથે કોઈપણ ડર વિના મેસેજ કે વાતચીત કરવાનો અધિકાર છે અને સરકારે દરેક વાત પર નજર રાખવી ન જોઈએ. સરકાર આ દેશને દરેક સ્વરૂપમાં તાનાશાહીમાં બદલવા માંગે છે. વિપક્ષને દોષ આપવો સરળ છે, પરંતુ સ્વસ્થ લોકશાહીમાં ચર્ચા થવી જરૂરી છે.
સરકારની ટેલિકોમ સુરક્ષા પ્રણાલી સાથે જોડાયેલી એપ
કોંગ્રેસ સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે, ‘ફ્રોડની જાણકારી આપવા અને ‘ભારતનો દરેક નાગરિક પોતાના ફોન પર શું કરી રહ્યો છે‘ તે જોવાની વચ્ચે એક બહુ પાતળી ભેદ રેખા છે અને આ રીતે કામ ન થવું જોઈએ. ફ્રોડની જાણ કરવા માટે એક અસરકારક સિસ્ટમ હોવી જોઈએ અને આ મુદ્દે સાયબર સિક્યુરિટી પર વિગતવાર વાત થઈ ચૂકી છે.
ટેલિકમ્યુનિકેશન વિભાગે મોબાઇલ કંપનીઓને નિર્દેશ આપ્યો હતો કે, ‘આગામી ૯૦ દિવસની અંદર, ભારતમાં બનનારા કે આયાત થનારા તમામ નવા મોબાઇલ ફોનમાં ‘સંચાર સાથી‘ એપ પહેલેથી ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ, તેમજ તેને ડિસેબલ કરી શકાય નહીં. જૂના ફોનમાં સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે. કંપનીઓએ ૧૨૦ દિવસની અંદર આ નિયમનું પાલન કર્યું છે કે કેમ, તે જણાવવું પડશે. જો નિયમનો ભંગ થશે, તો કાનૂની કાર્યવાહી પણ થશે.
કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના ભારે વિરોધ બાદ સ્પષ્ટતા કરી કે, ‘આ એપના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી થવાનું. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખી શકો. તેમજ તમે તેને ડીએક્ટિવ પણ કરી શકો છો. જો તમે તેને તમારા ફોનમાં રાખવા માંગતા હોવ તો રાખો. જાે તમે તેને કાઢી નાખવા માંગતા હોવ તો કાઢી નાખો…તેમાં કોઈ સમસ્યા નથી.‘
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ગ્રાહક સુરક્ષાનો મામલો છે… જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તમે તેને કાઢી શકો છો. તે ફરજિયાત નથી. જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવા માંગતા હો, તો તેના પર રજિસ્ટર્ડ ન કરતા. પરંતુ દેશમાં દરેકને ખબર નથી કે આ એપ્લિકેશન ચોરી અને છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે છે. આ એપ્લિકેશન દરેકને ઉપલબ્ધ કરાવવાની અમારી જવાબદારી છે. જો તમે તેને કાઢી નાખવા માંગતા હો, તો તેને કાઢી નાખો.‘સંચાર સાથી એપ એક સાયબર સિક્યુરિટી ટૂલ છે.
આ એપની શરૂઆત ૨૦૨૩માં એક વેબ પોર્ટલ તરીકે થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમના મોબાઇલ નંબર અને ડિવાઇસ સાથે સંબંધિત સુરક્ષા પૂરી પાડવાનો હતો. પાછળથી, તેને વધુ ઉપયોગી બનાવીને જાન્યુઆરી ૨૦૨૫માં મોબાઇલ એપ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ એપ Android Ios બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તે સંપૂર્ણપણે મફત છે.
આ એપ સીધી રીતે સરકારની ટેલિકોમ સુરક્ષા પ્રણાલી સાથે જોડાયેલી છે. CEIR એ કેન્દ્રીય ડેટાબેઝ છે, જ્યાં દેશના દરેક મોબાઇલ ફોનનો IMEI નંબર નોંધાયેલો હોય છે.
આ એપ ફોનની સુરક્ષા, ઓળખની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટેનું એક સરળ અને ઉપયોગી ટૂલ છે. તે તમારા ફોનને સુરક્ષિત રાખે છે, તમારી ઓળખનો દુરુપયોગ થતો અટકાવે છે અને જરૂર પડ્યે તાત્કાલિક સરકારી સહાય ઉપલબ્ધ કરાવે છે