Last Updated on by Sampurna Samachar
પહેલી પત્ની હોવા છતાં પુરુષે કરી લીધા નિકાહ
કેરળ હાઈકોર્ટે આપ્યો ચૂકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળ હાઈકોર્ટે મુસ્લિમ પુરુષના બીજા લગ્ન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ મુસ્લિમ પુરુષ પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવા માંગે છે, તો પહેલી પત્નીના મંતવ્યો સાંભળવા જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ધર્મ બીજા ક્રમે આવે છે. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે, ૯૯.૯૯% મુસ્લિમ મહિલાઓ તેમના પતિના બીજા લગ્નનો વિરોધ કરશે.

બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, કોર્ટે જણાવ્યું હતું કે, બીજા લગ્ન માટે પહેલી પત્નીની સંમતિ લેવી આવશ્યક છે અને બીજા લગ્નની નોંધણી કરતી વખતે પરંપરાગત કાયદા લાગુ પડતા નથી. જણાવી દઈએ કે, કોર્ટે મુસ્લિમ પુરુષ અને તેની બીજી પત્ની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
લગ્ન માટે પહેલી પત્નીની સંમતિ શામેલ
દંપતીએ રાજ્ય સરકારને તેમના લગ્ન નોંધણી કરાવવાની વિનંતી કરી હતી. કોર્ટે અરજીને એમ કહીને ફગાવી દીધી કે, પુરુષની પહેલી પત્ની આ કેસમાં પક્ષકાર નથી, અને તેથી, અરજી પર વિચાર કરી શકાય નહીં.
અરજદારે જણાવ્યું હતું કે, તેણે બીજા લગ્નની નોંધણી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિભાગે ઇનકાર કર્યો હતો. પતિએ દલીલ કરી હતી કે, લગ્ન માટે પહેલી પત્નીની સંમતિ શામેલ છે. કોર્ટે જણાવ્યું હતું કે, નોંધણી અધિકારી પહેલી પત્નીનો પક્ષ સાંભળી શકે છે, અને જો તે પતિના બીજા લગ્નનો વિરોધ કરે છે, તો સંબંધિત નાગરિક સત્તાવાળા કોર્ટનો સંપર્ક કરી શકે છે.
હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને કહ્યું કે, “હું નથી માનતો કે, કુરાન અથવા મુસ્લિમ કાયદો પહેલી પત્ની જીવિત હોય અને તેની સાથે લગ્ન સંબંધોમાં જોડાયેલા હોય, તો કેરળ લગ્ન નોંધણી અધિનિયમ, ૨૦૦૮ હેઠળ બીજી સ્ત્રી સાથે વૈવાહિક સંબંધની મંજૂરી આપે.” તેમણે ઉમેર્યું હતું કે, પતિના બીજા લગ્નની નોંધણી દરમિયાન પહેલી પત્ની મૂક પ્રેક્ષક બની શકે નહીં.
ન્યાયાધીશ કુન્હીકૃષ્ણને જણાવ્યું હતું કે, પહેલી પત્નીની લાગણીઓને અવગણી શકાય નહીં. કોર્ટે નોંધ્યું હતું કે, મુસ્લિમ કાયદો ખાસ પરિસ્થિતિઓમાં બીજા લગ્નની મંજૂરી આપે છે. પર્સનલ લો બીજા લગ્નની પરવાનગી આપે છે, પરંતુ બીજા લગ્નની નોંધણી કરતી વખતે, દેશનો કાયદો લાગુ પડે છે, અને આવી સ્થિતિમાં, પહેલી પત્નીને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવી જોઈએ.
ન્યાયાધીશ કુન્હીકૃષ્ણને જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, ૯૯.૯૯ ટકા મુસ્લિમ મહિલાઓ તેમના પતિના બીજા લગ્નનો વિરોધ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, જો તેમના પતિ ફરીથી લગ્ન કરે તો મુસ્લિમ મહિલાઓને પણ સુનાવણીનો અધિકાર હોવો જોઈએ.