Last Updated on by Sampurna Samachar
APMC ના ચેરમેન સહિત ૬ હોદ્દેદારો ભાજપમાં જોડાયા
ડભોઇ APMC માં કોંગ્રેસનો ગઢ ધરાશાયી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પક્ષને એક મોટો ઝટકો લાગ્યો છે. ડભોઇના ચેરમેન સહિત કોંગ્રેસના ૬ જેટલા મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

APMC ના ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે, જે ડભોઇના રાજકારણમાં એક મોટી ઘટના ગણાય છે. દિલીપ પટેલનો ડભોઇ APMC માં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે અને તેઓ છેલ્લા ૪૦ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી APMC ની ચૂંટણીઓ લડતા આવ્યા હતા.
ડભોઇના ધારાસભ્યે ભાજપનો ખેસ પહેરાવ્યો
આ ર્નિણયથી ડભોઇ APMC માં કોંગ્રેસનો ગઢ ધરાશાયી થવાની સંભાવના છે. ચેરમેન દિલીપ પટેલની સાથે કોંગ્રેસના અન્ય અગ્રણી નેતા પ્રવીણ ટીંબી પણ ભાજપમાં જોડાયા છે. આ તમામ ૬ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ કરાવવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, APMC ના આ તમામ પૂર્વ કોંગ્રેસી હોદ્દેદારોને ભાજપે પક્ષમાં જોડીને તેમને મેન્ડેટ પણ આપી દીધા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી APMC ની ચૂંટણીમાં આ તમામ નેતાઓ હવે ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડશે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના આટલા મોટા નેતાઓ અને હોદ્દેદારોના પક્ષપલટાથી ડભોઇ APMC ની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે અને ભાજપને મોટો ફાયદો થયો છે.
 
				 
								