Last Updated on by Sampurna Samachar
ભાજપની સ્ટ્રેટેજી કોંગ્રેસ પારખી ગઈ
ગુજરાતમાં દિલ્હીથી ટીમ ઉતારવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપની સ્ટ્રેટેજી છે કે, તે નવા ચહેરા પર સ્ટાર બનાવે છે. રાજકારણમાં અનુભવી રાજકારણીઓની સાથે યુવા નેતાઓના જોશ અને જુસ્સાની પણ એટલી જ જરૂર છે, તેવું કોંગ્રેસ પણ હવે પારખી ગઈ છે. તેથી કોંગ્રેસે પણ નવા ચહેરાઓને આગામી ચૂંટણીમાં ઉતારવાની સ્ટ્રેટેજી અપનાવી છે. ગુજરાત કોંગ્રેસે પણ નવા ચહેરાઓને આગામી ચૂંટણીમાં ઉતારવાની સ્ટ્રેટેજી અપનાવી.

આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓ પૂરી થશે એટલે ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ આવશે. ત્યારે કોંગ્રેસે અત્યારથી જ પોતાના નવા પ્લાન પર અમલ કરવાનું નક્કી કરી લીધું છે. દિલ્હી હાઈકમાન્ડમાંથી આદેશ છૂટ્યો છે કે, પક્ષના યુવા કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની તાલીમ આપવામાં આવે. ભાજપની જેમ કોંગ્રેસ પણ નવાં જ ચહેરા પર દાવ લગાવશે અને પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં તેનો અમલ કરવામાં આવશે.
જે યુવા ચૂંટણી લડવા માંગે તેમની સાથે બેઠકો કરાશે
રાહુલ ગાંધીના આદેશથી ગુજરાતમાં દિલ્હીથી ટીમ ઉતારવામાં આવી છે. આ ટીમે ગુજરાતમાં મોરચો સંભાળ્યો છે. રાહુલ ગાંધીના આદેશ બાદ દિલ્હીથી યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી નિખીલ દ્વિવેદીએ મોરચો સંભાળ્યો છે. આ ટીમ ગુજરાતના યુવા કાર્યકર્તાઓને ચૂંટણી લડવા માટે તૈયાર કરશે.આ માટે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કારોબારી બેઠકનું આયોજન કરાશે. કોંગ્રેસ પોતાની યંગ બ્રિગેડને ચૂંટણી માટે તૈયાર કરશે. જે યુવા ચૂંટણી લડવા માંગે તેમની સાથે બેઠકો કરાશે.
આ સાથે જ કોંગ્રેસ એ પણ સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે, જેમાં સત્તાપક્ષ ભાજપ સામે કેવી રીતે વિરોધ પ્રદર્શન કરી શકાય. જે યુવાઓ ટ્રેઈનિંગ લેશે, તેમનું પ્રદેશ નેતાગીરી મોનિટરીંગ કરશે. યુવાઓની સક્રિયતા પ્રમાણે તેમની યોગ્યતાના આધારે પસંદગી કરાશે.
વર્ષોથી કોંગ્રેસમાં એક ને એક ચહેરાઓએ કબજો જમાવેલો છે. ભાજપ સામે વારંવાર આ નેતાઓ આવતા મતદાતાઓ પણ નારાજ છે તેવું કોંગ્રેસ પારખી ગઈ છે. તેથી પોતાના મતદારોને સાચવવા માટે કોંગ્રેસ હવે ભાજપની સ્ટ્રેટેજી પર દાવ અજમાવશે. જેમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ સીઆર પાટીલે જૂના ઉમેદવારોને પક્ષમાંથી દૂર કરીને ૮૦ ટકા નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા. આ કારણે ભાજપ ગત વિધાનસભામાં સફળ ગઈ હતી. તેથી કોંગ્રેસ પણ હવે આ પ્લાન પર કામ કરશે.