Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ પ્રભારી અને નેતાઓ સાથે મહત્ત્વની બેઠક કરી
કોઈપણ પ્રકારનું ગઠબંધન કરવા તૈયાર નથી કોંગ્રેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના હાઇકમાન્ડે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી એકલા હાથે લડવાનો સંકેત આપ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ (CONGRESS) હાલ તૃણમુલ કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરવાના મૂડમાં ન હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેમાં પ્રદેશ કોંગ્રેસને મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સામેલ રહ્યા હતા. આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મજબૂત બનાવવા તેમજ ભાજપ વિરુદ્ધ લડાઈને પ્રાથમિકતા આપવા પર ફોકસ કરવામાં આવ્યું હતું. વધુમાં રાજ્યમાં પક્ષને નબળો પાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી હતી.
કોંગ્રેસ રાજ્યમાં એક મજબૂત ભૂમિકા નિભાવે તે લોકોની ઇચ્છા
રાહુલ ગાંધીએ આ બેઠક બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ‘ અમે ઇન્દિરા ભવનમાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસ પ્રભારી અને નેતાઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. ચર્ચાનું મુખ્ય ફોકસ પક્ષને પાયાના સ્તરે મજબૂત બનાવવું અને લોકોના અધિકારો માટે લડત ચલાવવાનું રહ્યું હતું. કોંગ્રેસ બંગાળની મહત્ત્વાકાંક્ષાઓને અવાજ આપવા સંઘર્ષ કરશે. ર્નિભય, પ્રમાણિક અને અડગ.‘
કોંગ્રેસ હાઇકમાન્ડે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે કામ કરવાનો ર્નિણય એવા સમયે લીધો છે, જ્યારે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસના સંબંધોમાં કડવાશ ફેલાઈ હોવાના અહેવાલો આવ્યા હતાં. અગાઉ અફવા આવી હતી કે, અધીર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળ યુનિટના પ્રમુખ પદ પરથી દૂર કર્યા બાદ કોંગ્રેસ પક્ષ તૃણમુલ કોંગ્રેસ (TMC) સાથે ગઠબંધન કરવા જઈ રહ્યો છે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડના આજના નિવેદને આ અફવાઓનું ખંડન કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે ચૂંટણીના લગભગ એક વર્ષ અગાઉથી જ પોતાની છાપ ઊભી કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી મીરે બેઠક બાદ મીડિયાને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના લોકો રાજ્ય અને કેન્દ્ર સરકારની ખામીઓથી નારાજ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની મુખ્ય ભૂમિકા આ મુદ્દાઓને ઉકેલવા માટે યોગ્ય રણનીતિ ઘડવાની રહેશે. રાજ્યના લોકો ઇચ્છે છે કે, કોંગ્રેસ રાજ્યમાં એક મજબૂત ભૂમિકા નિભાવે. આથી અમે પ્રજાનો અવાજ ઉઠાવી શકીએ અને તેમની સમસ્યાઓ માટે વિરોધ દર્શાવી શકીએ.