Last Updated on by Sampurna Samachar
બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
1 GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર ચૂંટણીમાં, NDA 4G અને સસ્તા ડેટાને ડિજિટલ ઇન્ડિયાની સિદ્ધિ ગણાવીને લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાના પ્રચારની શરુઆતમાં કહ્યું કે, 1 GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી છે, જેને કારણે બિહારના યુવાનો રીલ દ્વારા કમાણી કરીને તેમની ક્રિએટિવિટી વિશ્વને બતાવી રહ્યા છે. ત્યારે બિહાર કોંગ્રેસે તેમને આના પર ઘેરી લીધા છે.

બિહાર કોંગ્રેસે પોતાના X એકાઉન્ટ પર રાહુલ ગાંધીના રીલને લઈને વિચારો શેર કરીને કેપ્શન આપ્યું, અંતર સ્પષ્ટ છે અને યુઝર્સને સવાલ કર્યો કે રીલના મુદ્દા પર કોણ સાચા છે ? બિહાર કોંગ્રેસ દ્વારા શેર કરાયેલા જૂના વીડિયોમાં રાહુલ ગાંધીએ યુવાનો પર આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આજના યુવાનો રોજ ૭-૮ કલાક રીલ જુએ છે અને મિત્રોને મોકલે છે, જ્યારે અંબાણી અને અદાણીના દીકરાઓ વીડિયો જોતા નથી, તેઓ પૈસા ગણવામાં વ્યસ્ત રહે છે.
બિહારમાં સસ્તો ડેટા ઉપલબ્ધ થશે : PM મોદી
આ રીતે, PM મોદી દ્વારા રીલ ટ્રેન્ડ અને સસ્તા ડેટાની પ્રશંસા સામે, રાહુલ ગાંધીની આ ટિપ્પણી, જે યુવાનોના ૭-૮ કલાક બરબાદ કરનારા ટ્રેન્ડને બતાવે છે, તેણે ઓનલાઇન વિશેષાધિકાર, અવસર અને ભારતીય યુવાનોની દિશા પર ચર્ચા જગાવી છે. PM મોદીના નિવેદન પર જન સુરાજ સંસ્થાના પ્રશાંત કિશોરે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા બિહારમાં કહ્યું હતું કે અમે બિહારમાં સસ્તો ડેટા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
હું તેમને કહેવા માગું છું કે અમને ડેટા નહીં, બેટા (દીકરો) જોઈએ… તમે કારખાના ગુજરાતમાં બનાવો છો અને ડેટા બિહારને આપશો, જેથી અહીંના લોકો પોતાના બાળકોને માત્ર વીડિયો કોલ પર જ જોઈ શકે.
 
				 
								