Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાને રાખી તમામ પક્ષોના નેતાઓ અને ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી હતી, જેમાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.
સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બિચારી મહિલા કહેવા મુદ્દે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિ મુર્મૂનું અપમાન કર્યું છે.
વડાપ્રધાને કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, ‘આપણા સન્માનનિય રાષ્ટ્રપતિએ સંસદમાં સંબોધન કર્યું હતું. તેમણે વિકસીત ભારતના વિઝન અંગે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાના જંગલોમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા છે. તેમની માતૃભાષા હિંદી નથી, પરંતુ તેઓ ઉડિયા ભાષા બોલીને મોટા થયા છે. તેમની માતૃભાષા હિન્દી નથી, છતાં તેમણે સંસદમાં શ્રેષ્ઠ સંબોધન કર્યું. જોકે કોંગ્રેસનો શાહી પરિવાર તેમનું અપમાન કરી રહ્યો છે.’
મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના શાહિ પરિવારના સભ્યએ કહ્યું કે, આદિવાસી પુત્રીએ કંટાળાજનક ભાષણ આપ્યું. તેમના એક સભ્ય તો તેમનાથી પણ આગળ નિકળી ગયા. તેમણે રાષ્ટ્રપતિને પુઅર લેડી એટલે કે બિચારી મહિલા કહ્યા, ગરીબ કહ્યા, થાકેલા કહ્યા. કોંગ્રેસના સભ્યોનું આ નિવેદન દેશના ૧૦ કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન છે. આવું કહી કોંગ્રેસે દેશના તમામ ગરીબ પરિવારોનું અપમાન કર્યું છે.’
તેમણે કહ્યું કે, ‘જો ગરીબ, દલિત, આદિવાસી અને સમાજના લોકો આગળ વધે છે, તો કોંગ્રેસે વારંવાર તેઓનું અપમાન કરે છે. જે લોકો જમીન પરથી ઉઠી આગળ વધ્યા છે, તેમને કોંગ્રેસનો શાહી પરિવાર પસંદ કરતો નથી. કોંગ્રેસ આ લોકોનું હંમેશા અપમાન કરે છે.’
બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અભિભાષણ આપ્યું હતું, જેમાં સરકારની કામગીરી વિશે વિગતવાર વાત કરી હતી. તેમનું ભાષણ ઘણું લાંબુ હતું અને તેમણે ઘણાં મુદ્દાઓ પર વિગતવાર વાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણ પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પુઅર લેડી એટલે કે બિચારી મહિલા, તે થાકી ગઈ હતી. તેમાં માત્ર જૂઠ્ઠા વાયદાઓ કરવામાં આવ્યા હતા.