Last Updated on by Sampurna Samachar
બે શીખોની હત્યા કરવા મામલે સજા ફટકારી
તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયા હતા રમખાણો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવાયા હતા. આ મામલે સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. રાઉઝ એવન્યૂ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોથી સંબંધિત સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. આ મામલો પહેલી નવેમ્બર-૧૯૮૪નો છે, જેમાં પશ્ચિમ દિલ્હીના રાજનગર વિસ્તારમાં બે શીખો સરદાર જસવંત સિંહ અને સરદાર તરૂણ દીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. તે દિવસે સાંજે લગભગ ચાર વાગ્યે હિંસાખોરોની એક ભીડે લોખંડના સળીયા અને લાકડીઓ લઈને પીડિતોના ઘર પર હુમલો કર્યો હતો.
દિલ્હીમાં મોટાપાયે થઇ હતી શીખોની હત્યા
તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફેલાયા હતાં. રાજધાની દિલ્હીમાં પણ મોટે પાયે શીખોની હત્યા થઇ હતી. દિલ્હી કેન્ટના રાજનગર વિસ્તારમાં સજ્જન કુમારના ઉશ્કેરણીજનક ભાષણ બાદ પાંચ શીખોની હત્યા કરવામાં આવી હતી.
શીખવિરોધી રમખાણોની તપાસ કરનાર નાણાવટી પંચના એક રિપોર્ટમાં સજ્જન કુમારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યાં બાદ સીબીઆઇએ ૨૦૦૫માં આ મામલો ફરીથી ખોલ્યો હતો અને સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, મહેન્દ્ર યાદવ, ગિરધારી લાલ, કૃષ્ણ ખોખર અને બલવંત ખોખર વિરુદ્ધ કેસ નોંઘ્યો હતો. સીબીઆઇએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ ૧૩ જાન્યુઆરી ૨૦૧૦ના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી.