Last Updated on by Sampurna Samachar
હું સરકાર પાસે આશા રાખું છું કે તેઓ અમેરિકા સાથે વાત કરે
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં અમેરિકી સૈન્યના વિમાને ૧૦૪ ભારતીયોને ડિપોર્ટ કરી ભારત મોકલ્યા હતા. જેમાં એ લોકો હતા જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રહ્યા હતા. ત્યારે આ મુદ્દો હાલ વિશ્વ ભરમાં ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ લોકોને તેમના દેશ પરત મોકલી દેવાના આદેશ આપ્યા છે. ત્યારે હવે આ કાર્યવાહી અંતર્ગત ભારતના લોકોને પણ પાછા મોકલવામાં આવી રહ્યા છે.
વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, અમેરિકામાંથી નિર્વાસિત કરવામાં આવી રહેલા ભારતીયોને હાથકડી અને ઝંઝીરોમાં બાંધીને લાવવામાં આવી રહ્યા છે. આ મામલા પર વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમ્યાન કોંગ્રેસ સાંસદ અને વિદેશી મામલા પર બનેલી સંસદીય સમિતિના ચેરમેન શશિ થરુરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાને ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને પાછા મોકલવાનો પુરો અધિકાર છે, પણ આ લોકોને હાથકડી કે સાંકળ બાંધીને ન લાવવા જોઈએ, તેમને સૈન્ય વિમાનમાં પણ ન લાવવા જોઈએ.
કોંગ્રેસના શશિ થરુરે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તેમને સૈન્ય વિમાનમાંથી પાછા મોકલવામાં આવ્યા છે. આ વાત યોગ્ય નથી. અમેરિકાને આ ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા ભારત મોકલવાનો પુરો અધિકાર છે, પણ આવી રીતે મોકલવા ખોટી વાત છે. સારુ થશે કે અમેરિકા સૈન્ય વિમાનની જગ્યાએ રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઈટથી તેમને મોકલે.
થરુરે એવું પણ કહ્યું કે, હું સરકાર પાસે આશા રાખું છું કે તેઓ અમેરિકા સાથે વાત કરે અને કહે કે, તમારે આ લોકોને સૈન્ય વિમાનમાં મોકલવાની જરુર નથી.તેમને હાથકડી પહેરાવાની પણ જરુર નથી. આ લોકો અપરાધી નથી. તેમની ભૂલ એટલી જ છે આ લોકો ગેરકાયદેસર રીતે આપની જમીન પર આવ્યા. હવે તેમને અમારી ધરતી પર લાવવામાં આવી રહ્યા છે તો તેમને હાથકડી પહેરાવાની જરુર નથી.