Last Updated on by Sampurna Samachar
‘મણિપુરની જનતા તમને અને તમારી પાર્ટીને માફ કરશે નહીં’
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ‘ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.’ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની જનતાની માફી માંગવા માટે કહ્યું છે. મહત્ત્વનું છે કે વિપક્ષ લાંબા સમયથી રાજ્યમાં હિંસાના આરોપોને લઈને ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યું છે.
ખડગેએ સવાલ કર્યો કે ‘શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મણિપુરનો પ્રવાસ કરવા અને ત્યાં લોકોની માફી માંગવાની હિંમત બતાવી શકશે ? મુખ્યમંત્રી એન.બિરેન સિંહનું રાજીનામું આપવાના ચાર દિવસ બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું. વિધાનસભાને પણ સસ્પેન્ડ કરાઈ છે.’
ખડગેએ એક્સ પર પોસ્ટ કરી કે, ‘નરેન્દ્ર મોદીજી, તમારી પાર્ટી જ ૧૧ વર્ષથી કેન્દ્રમાં શાસન કરી રહી છે. આ તમારી પાર્ટી છે જે આઠ વર્ષ સુધી મણિપુરમાં પણ શાસન કરી રહી હતી. આ ભાજપ જ છે જે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે જવાબદાર હતી.’
‘આ તમારી સરકાર છે જેની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદ પર પેટ્રોલિંગની જવાબદારી છે. તમારા દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવું, પોતાની જ પાર્ટીની સરકારને સસ્પેન્ડ કરવી એ વાતની સીધી સ્વીકૃતિ છે કે તમે મણિપુરના લોકોને નિરાશ કર્યા.
વડાપ્રધાને રાષ્ટ્રપતિ શાસન એટલા માટે નથી લગાવ્યું કે તેઓ એવું ઈચ્છતાં હતાં પરંતુ એટલા માટે લગાવ્યું કેમ કે રાજ્યમાં બંધારણીય સંકટ છે તથા તમારા કોઈ પણ ધારાસભ્ય તમારી અક્ષમતાનો બોજ સ્વીકાર કરવા માટે તૈયાર નથી. તમારા ડબલ એન્જિને મણિપુરની નિર્દોષ જનતાની જીંદગીઓને કચડી નાખી. હવે સમય આવી ગયો છે કે તમે મણિપુરમાં પગ મૂકો અને પીડિત લોકોના દર્દ અને પીડાને સાંભળો અને તેમની માફી માંગો. ખડગેએ સવાલ કર્યો, ‘શું તમારામાં હિંમત છે?, ‘મણિપુરની જનતા તમને અને તમારી પાર્ટીને માફ કરશે નહીં.’