Last Updated on by Sampurna Samachar
કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના કાર્યો પર પ્રશ્નો ઉઠાવ્યા
આજનું ભારત ૧૯૭૫નું ભારત નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાની જ પાર્ટીની વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે કટોકટી પર કોંગ્રેસને ઘેરી લીધી છે. તેમણે કહ્યું કે, કટોકટી દરમિયાન શિસ્ત અને વ્યવસ્થાના નામે ક્રૂરતા આચરવામાં આવી હતી. કટોકટીને ભારતના ઇતિહાસનો માત્ર એક કાળો અધ્યાય ન ગણવો જોઈએ, પરંતુ તેના પાઠને સંપૂર્ણપણે સમજવું મહત્ત્વપૂર્ણ છે.
શશિ થરૂરે કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના કાર્યો પર પ્રશ્નો ઉઠાવ્યા. મલયાલમ અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ૨૫ જૂન, ૧૯૭૫ થી ૨૧ માર્ચ, ૧૯૭૭ દરમિયાન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલી કટોકટીના કાળા યુગને યાદ કર્યો. તેમણે કહ્યું કે, શિસ્ત અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા પ્રયાસો ક્રૂરતામાં પરિવર્તિત થયા જેને વાજબી ઠેરવી શકાય નહીં.
હજારો લોકો બેઘર થઈ ગયા
તિરુવનંતપુરમના સાંસદ થરૂરે લખ્યું, ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી અભિયાન શરૂ કર્યું હતું જે આનું એક ગંભીર ઉદાહરણ બન્યું. પછાત ગ્રામીણ વિસ્તારોમાં મનસ્વી લક્ષ્યો પૂરા કરવા માટે હિંસા અને બળનો ઉપયોગ કરવામાં આવ્યો. નવી દિલ્હી જેવા શહેરોમાં, ઝૂંપડપટ્ટીઓને ર્નિદયતાથી તોડી પાડવામાં આવી. હજારો લોકો બેઘર થઈ ગયા. તેમના કલ્યાણનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં.
કટોકટી બાબતે થરૂરે વધુમાં લખ્યું કે, લોકશાહી એવી વસ્તુ નથી જેને હળવાશથી લઈ શકાય, તે એક કિંમતી વારસો છે જેને સતત પોષણ આપવું જોઈએ અને સુરક્ષિત રાખવું જોઈએ. શશિ થરૂરના મતે, આજનું ભારત ૧૯૭૫નું ભારત નથી. તેમણે કહ્યું કે આપણે વધુ આત્મવિશ્વાસુ, વધુ વિકસિત અને ઘણી રીતે મજબૂત લોકશાહી છીએ. તેમ છતાં, કટોકટીના પાઠ ચિંતાજનક રીતે સુસંગત રહે છે. આ પહેલી વાર નથી જ્યારે થરુરે પીએમ મોદીની નીતિઓની પ્રશંસા કરી હોય.