Last Updated on by Sampurna Samachar
સ્થાનિક મુદ્દાઓ તેમજ ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી
બનાસકાંઠામાં ચોથી વખત વરસાદે રાહાતાળ વાળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્થાનિક મુદ્દાઓ તેમજ ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી હતી.
કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પોતાના સંબોધનમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે બનાસકાંઠાના ધારાસભ્યોને સંબોધીને કહ્યું કે, “હું અહીંથી ધારાસભ્યોને કહું છું કે પોલીસના દંડા ખાવા તૈયાર રહેજો.” તેમણે જિલ્લામાં વારંવાર થયેલા વરસાદ અને તેનાથી થયેલા નુકસાન અંગે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “બનાસકાંઠામાં ચોથી વખત વરસાદે રાહાતાળ વળ્યું છે અને દરેક વખતે મોટું નુકસાન થયું છે.”
ભાજપને ભ્રષ્ટાચારની પાર્ટી ગણાવતા કોંગી નેતા
વળતરના મુદ્દે તેમણે સરકાર પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, “ભાજપ કહે છે કે સરકારે બહુ આપ્યું છે, શું તમને વળતર મળ્યું છે ખરું?” તેમણે લોકોને આહ્વાન કર્યું કે, “જે ગામમાં નુકસાનનું પૂરું વળતર ન મળ્યું હોય ત્યાં ભાજપનો પ્રવેશ બંધ કરી દો, ઘુસવા ન દો તેમને.” ચૂંટણીલક્ષી નિવેદનમાં તેમણે કહ્યું, “નહિ તો ચૂંટણી આવવા દો, અહીં રાજસ્થાન નજીક છે. તેઓ કન્ટેનર ભરીને અહીં લાલ-લીલું પાણી વેચશે, પણ બહેનો તમે ધોકા તૈયાર રાખજો.” આ સાથે જ તેમણે ભાજપ પર વોટ ચોરીના કારણે જીત મેળવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, “તમારા ભાગની નોકરીઓ અને પૈસો ભાજપ લઈ જાય છે, એટલે હવે ચૂંટણી આવે એટલે એને જાકારો આપવાની તમારી જવાબદારી છે.” ઓગડ તાલુકાના થરામાં યોજાયેલી આ સભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જમીન માપણીના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી.
તેમણે કહ્યું, “અંગ્રેજોએ પણ જમીનની માપણી કરી હતી તો પણ એક ઇંચ આઘાપાછી થઈ ન હતી, પણ ભાજપની સરકારમાં એમના અધિકારીઓ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આઘાપાછી કરી નાખી.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાઈઓએ પોતાની જમીન પાછી લેવી હોય તો પણ અધિકારીઓને પૈસા આપવા મજબૂર બનવું પડી રહ્યું છે. અતિવૃષ્ટિના વળતર અંગે તેમણે જણાવ્યું કે, “આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને મોટું નુકસાન થયું છતાં પણ હજુ વળતર નથી આપ્યું. જાે સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતો સાથે હાઇકોર્ટમાં જઈશું.”
અંતમાં, તેમણે ભાજપને ભ્રષ્ટાચારની પાર્ટી ગણાવતા કહ્યું કે, “રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. લોકો પીસાઈ રહ્યા છે ત્યારે જન આક્રોશ સભા કોંગ્રેસને કરવી પડે છે.” કોંગ્રેસની આ જન આક્રોશ સભા દ્વારા બનાસકાંઠાના સ્થાનિક પ્રશ્નો, ખાસ કરીને ખેડૂતોના વળતર અને ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.