Last Updated on by Sampurna Samachar
૩ દિવસ માટે મહામંથન યોજાશે
અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલે પાર્ટીને મજબૂત કરવાનું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જ તેમણે કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત આપી દીધા હતા અને અનેક લોકોની હકાલપટ્ટી કરવા સુધીની પણ તૈયારી બતાવી દીધી હતી. જોકે તાજેતરના અહેવાલ અનુસાર કોંગ્રેસમાં લાંબા સમય બાદ કોઈ મોટી એક્શનની તૈયારી દેખાઈ રહી છે. માહિતી મુજબ કોંગ્રેસે દેશભરમાંથી ૭૦૦ જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા છે. જોકે આ એક્શનનો ઉદ્દેશ્ય કોંગ્રેસ (CONGRESS) સંગઠનને ફરી પગભર કરીને મજબૂત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા દેશભરમાંથી આવનારા ૭૦૦ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે ૩ દિવસ માટે મહામંથન યોજાવાનું છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ ત્રણ બેચમાં આ બેઠક કરશે અને તમામને કોંગ્રેસના નવા સંગઠનીય માળખાથી ઓળખ કરાવશે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીને ધરમૂળથી મજબૂત કરવાનો છે. આગામી ૨૭ અને ૨૮ માર્ચ તથા ૩ એપ્રિલના રોજ તબક્કાવાર રીતે કોંગ્રેસી જિલ્લા પ્રમુખ દિલ્હી પહોંચશે. અહીં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને એઆઈસીસીના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ તમામ સાથે મહામંથન કરશે.
૭૦૦ જિલ્લા અધ્યક્ષને દિલ્હી બોલાવવાનો ર્નિણય
કોંગ્રેસમાં ૧૬ વર્ષ બાદ આવી કોઈ બેઠક યોજાવા જઈ રહી છે જે પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે. સૂત્રો મુજબ આ પહેલનો પાઈલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરાશે જ્યાં ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બેઠકમાં DCC ના અધ્યક્ષોને ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સત્તા આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકાશે.
AI ના મહાસચિવ અને ઈન્ચાર્જની એક બેઠકમાં આ રીતે ૭૦૦ જિલ્લા અધ્યક્ષને દિલ્હી બોલાવવાનો ર્નિણય લેવાયો હતો જેમાં પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા. બેઠકમાં પ્રિયંકા ગાંધી સહિત અમુક નેતાઓના અનૌપચારિક સમૂહ દ્વારા તૈયાર કરાયેલા સંગઠનીય મજબૂતીની રૂપરેખા અંગે પણ ચર્ચા કરાઈ હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મામલે જણાવતા કહ્યું કે આ બેઠક અમારા જિલ્લા એકમને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલે પાર્ટીને મજબૂત કરવાનું છે.
ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું ગઢ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. જો કોંગ્રેસ ગુજરાતમાં સફળતા હાંસલ કરે તો આ ભાજપની અજેય છબિ માટે પડકાર સાબિત થશે અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની સ્થિતિ મજબૂત થશે. જ્યારે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનું જન્મસ્થળ પણ છે. આ નેતાઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કોંગ્રેસનો પાયો મજબૂત કર્યો હતો.