Last Updated on by Sampurna Samachar
સિકંદરા બેઠક માટે વિનોદ ચૌધરીને ટિકિટ અપાઇ
કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરીને સસ્પેન્સ વધાર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની પાંચમી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ૬ ઉમેદવારોના નામ સામેલ છે. આ સાથે જ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ ૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. નવા ઉમેદવારોની યાદીમાં વાલ્મીકિનગરથી સુરેન્દ્ર પ્રસાદ કુશવાહા, અરરિયાથી અબીદુર રહેમાન, અમૌરથી જલીલ મસ્તાન, બરારીથી તૌકીર આલમ, પાર્ટીએ કહલગાંવની વિવાદાસ્પદ બેઠક પર પ્રવીણ કુશવાહા પર વિશ્વાસ મૂક્યો છે, જે RJD અને કોંગ્રેસ વચ્ચેની સૌથી ચર્ચાસ્પદ બેઠકોમાંની એક હતી. આ સિવાય, સિકંદરા બેઠક માટે વિનોદ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે ૧૭ ઓક્ટોબરે પ્રથમ યાદીમાં ૪૮ ઉમેદવારોની જાહેરાત કરી હતી, જ્યારે બીજી યાદીમાં ૧, ત્રીજીમાં ૫ અને ચોથી યાદીમાં ૬ ઉમેદવારોની ઘોષણા કરી હતી. હાલમાં પાર્ટી ૬૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી ચૂકી છે.
લાલુ યાદવના નિવાસસ્થાને દાવેદારોની ભીડ જોવા મળી
બિહાર ચૂંટણી પહેલા INDIA બ્લોકની આંતરિક લડાઈ જાહેરમાં આવી ગઈ છે. બીજા અને છેલ્લા તબક્કાના નામાંકન માટે ૨૪ કલાકથી પણ ઓછો સમય બાકી હોવા છતાં, ગઠબંધન મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને ૬ સહયોગી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીનું ફોર્મ્યુલા નક્કી કરી શક્યું નથી. RJD અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોના નારાજ ઉમેદવારોએ પાર્ટી નેતૃત્વ પર ટિકિટ વેચવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ દરમિયાન, RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પોતાના નિવાસસ્થાન ૧૦, સર્ક્યુલર રોડ (પટણા) પરથી મનસ્વી રીતે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન વહેંચતા જોવા મળ્યા, જેના કારણે વિવાદ થયો.
લાલુ પ્રસાદ યાદવના આ ર્નિણયથી RJD ના મીડિયા સેલના અધ્યક્ષ રિતુ જયસ્વાલ નારાજ થયા. તેમણે સત્તાવાર ઉમેદવાર સ્મિતા પૂર્વે સામે પરિહાર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન ભરવાની જાહેરાત કરી. રિતુ જયસ્વાલે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે ૨૦૨૦માં તેમની હાર માટે ઉમેદવાર સ્મિતા પૂર્વેના સસરા (અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ) રામચંદ્ર પૂર્વે જવાબદાર હતા.
લાલુ યાદવના નિવાસસ્થાને આખો દિવસ ટિકિટના દાવેદારોની ભારે ભીડ જોવા મળી. જે નેતાઓને ટિકિટ ન મળી, તેઓ ભારે ગુસ્સામાં હતા. મધુબન બેઠક પર ગત ચૂંટણીમાં નજીવા અંતરથી હારનાર મદન પ્રસાદ સાહને જ્યારે ટિકિટ ન મળી, ત્યારે તેઓ રસ્તા પર સૂઈ ગયા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને પોતાના કપડાં ફાડી નાખ્યા. તેમણે આક્ષેપ કર્યો કે તેમણે ૧૯૯૦ના દાયકાથી લાલુ યાદવનો સાથ આપ્યો છે અને ૨૦૨૦માં લડવા માટે જમીન પણ વેચી દીધી હતી. સાહેબે તેજસ્વી યાદવ પર ઘમંડી થવાનો અને ટિકિટ BJP એજન્ટને આપવાનો આરોપ પણ લગાવ્યો.