Last Updated on by Sampurna Samachar
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આકરી પ્રતિક્રિયા
ભાજપના લોકો હંમેશા બહાના શોધવા લાગે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લદાખમાં તાજેતરમાં થયેલી હિંસા માટે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસનો બચાવ કરતાં કહ્યું કે, ભાજપને પોતાની નિષ્ફળતાઓનો દોષ હંમેશા બીજાના માથે ઢોળવાની આદત છે અને લેહની હિંસા અંગેનો આ આરોપ પણ તેનું જ એક ઉદાહરણ છે.
પૂરગ્રસ્ત રિયાસી જિલ્લાના ગામોની મુલાકાત લીધા પછી, પત્રકારો સાથે વાત કરતાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ઉપરાજ્યપાલના નેતૃત્વવાળા લદાખ પ્રશાસને એ વિચારવું જોઈએ કે તે વિસ્તારમાં શાંતિ જાળવવામાં અને યોગ્ય પગલાં લેવામાં કેમ નિષ્ફળ ગયું? વાસ્તવમાં, લેહમાં થયેલી હિંસા માટે ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. આ અંગેના સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, જ્યારે લદાખમાં ભાજપની સરકાર છે અને તેઓ પોતે શાસન આપવામાં નિષ્ફળ ગયા છે, તો પછી દોષ બીજા કોઈના માથે કેમ ઢોળી રહ્યા છો?
સેંકડો યુવાનો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ
આ સાથે જ અબ્દુલ્લાએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું, કોંગ્રેસમાં એટલી તાકાત નથી કે તે લદાખમાં હિંસા ભડકાવી શકે. જો કોંગ્રેસ એટલી શક્તિશાળી હોત કે તે લદાખમાં હિંસા ભડકાવી શકે, તો તે પાર્ટીએ ત્યાં પરિષદની રચના કેમ ન કરી? લદાખમાં છેલ્લી પરિષદની ચૂંટણી કોણ જીત્યું? ભાજપ, જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જ્યારે કંઈ ખોટું થાય છે, ત્યારે ભાજપના લોકો હંમેશા બહાના શોધવા લાગે છે અને તે પોતાની નિષ્ફળતાનું ઠીકરું બીજાના માથે ફોડે છે.
બુધવારે લદાખમાં થયેલી હિંસામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિના વિસ્તરણની માંગના આંદોલનને સમર્થન આપતા સેંકડો પ્રદર્શનકારીઓએ લેહમાં ભાજપ કાર્યાલય તેમજ અનેક વાહનોને આગ લગાવી હતી.
અહીં એ નોંધવું જરૂરી છે કે, ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. ત્યારથી લદાખ એક નવો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે, જ્યાં હાલમાં ઉપરાજ્યપાલનું શાસન છે. હાલમાં ભાજપના પૂર્વ નેતા કવિન્દર ગુપ્તા ત્યાં ઉપરાજ્યપાલ તરીકે કાર્યરત છે. જ્યારે સેંકડો યુવાનો અને વિદ્યાર્થીઓએ લેહમાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારે ભાજપે કોંગ્રેસ પર આ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.