વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકરના મોતનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોંગ્રેસ દ્વારા આયોજિત વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર પ્રભાત પાંડેનું મૃત્યુ થયું હતું. કોંગ્રેસનો દાવો છે કે, ગોરખપુરથી આવેલા પ્રભાત પાંડે વિરોધ દરમિયાન પોલીસના ધક્કામુક્કી અને બળપ્રયોગને કારણે ઘાયલ થયા હતો, જેના કારણે તેમનું મોત થયું છે. આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકરનું મોત થયું હતું. કોંગ્રેસે બન્ને ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસે આ ઘટનાને “પોલીસ ક્રૂરતા” ગણાવી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાર્ટીએ પ્રભાતના પરિવારને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી છે. બીજી તરફ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પ્રભાત પાંડે પાર્ટી ઓફિસ રૂમમાં પડેલો જોવા મળ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટરને સારી સારવાર માટે સૂચના આપી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકર મૃદુલ ઈસ્લામનું મોત થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ દરમિયાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે મૃદુલનું મોત થયું છે. આ પ્રદર્શન મણિપુર હિંસા, અદાણી ગ્રુપ સામે લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓને લઈને કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને ભાજપ સરકારની “તાનાશાહી”નું પ્રતીક ગણાવ્યું હતું. જાે કે, આસામ પોલીસે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બન્ને ઘટનાઓને લઈને ભાજપ સરકારોને આડે હાથ લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “દેશભરમાં કોંગ્રેસ પાર્ટી બાબાસાહેબ અને બંધારણના સમર્થનમાં સત્યાગ્રહ કરી રહી છે. આ દરમિયાન ગુવાહાટીમાં મૃદુલ ઇસ્લામ અને લખનૌમાં પ્રભાત પાંડેનું મૃત્યુ અત્યંત દુઃખદ અને નિંદનીય છે.” રાહુલ ગાંધીએ આ કાર્યકરોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસ “સત્ય અને બંધારણ” માટે સંઘર્ષ ચાલુ રાખશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ સરકારોની કાર્યવાહીને ‘બ્રિટિશ રાજ’ જેવી ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભાજપ બંધારણ અને લોકશાહીનું ગળું દબાવી રહી છે. કોંગ્રેસે આ ઘટનાઓને લોકશાહી અને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. પાર્ટીએ કહ્યું કે, ભાજપ સરકારો માત્ર સંસદમાં જ નહીં પરંતુ રસ્તા પર પણ લોકતાંત્રિક વિરોધને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.
પાર્ટીનું કહેવું છે કે, શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ પર બળનો ઉપયોગ કરવો અને તેમના મૃત્યુ પછી જવાબદારીથી દૂર રહેવું એ સરકારની “તાનાશાહી માનસિકતા” દર્શાવે છે. કોંગ્રેસે આ બન્ને ઘટનાઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું કે, આ મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવી જાેઈએ.