‘કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી નહીં માંગે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે’
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના એનેક્ષી અતિથિ ગૃહ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. ૨૮ ડિસેમ્બરે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે અમદાવાદનાં મુખ્ય માર્ગો પર પ્રોટેસ્ટ કરવામાં આવશે. જો આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માફી નહીં માંગે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સત્તાધીશો મનુવાદનું રટણ કરે છે અને અમે સંવિધાનનું રટણ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી ગોડસેમાં માને છે અને અમે ડો. બાબાસાહેબ આંબેડકરમાં માનીએ છીએ. સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબનું અપમાન કરવામાં આવ્યું, આવો દાખલો પહેલીવાર સામે આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ભાજપ અને RSS ને કહેવા માંગુ છું અમને મૃત્યુ પછી સ્વર્ગ નથી જોઈતું, અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતા નાબૂદી જોઈએ છે. સૌ સમાન અને સુંદર સમાજનું નિર્માણ થાય અને ન્યાય સુનિશ્ચિત થાય તેવા ભારતનું નિર્માણ થાય તેના માટે બાબા સાહેબે કામ કર્યું છે. અગાઉ મહીસાગરના કલેકટર નેહાકુમારી દુબે દલિતોનું અપમાન કર્યું. સરકારી કે પાર્લામેન્ટનું મંચ હોય આ લોકો અપમાન કરવાનું ક્યારેય ચૂકતા નથી. અને આવું હવે ફરીવાર ન થાય તે માટે નેહા કુમારીની ધરપકડ થાય અને અમિત શાહ માફી માંગે તેવી અમારી માંગ છે.