Last Updated on by Sampurna Samachar
મિઝોરમમાં વધતી ભિક્ષાવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરી
ભિખારીઓને ટકાઉ આજીવિકા હેતુસર વિધાનસભામાં બિલ પસાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિઝોરમ વિધાનસભામાં વિપક્ષી સદસ્યોના હોબાળા વચ્ચે, રાજ્યમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવવા સંબંધિત બિલ પસાર થઈ ગયું છે. રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ મિઝોરમ ભિક્ષાવૃત્તિ નિષેધ બિલ, ૨૦૨૫ સદનમાં રજૂ કરતા કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય માત્ર ભીખ માંગવા પર રોક લગાવવાનો નહીં, પરંતુ ભિખારીઓને ટકાઉ આજીવિકા વિકલ્પ આપીને તેની મદદ તેમજ પુનર્વસન કરવાનો પણ છે.
તેઓએ મિઝોરમમાં વધતી ભિક્ષાવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણું રાજ્ય ઘણું ભાગ્યશાળી છે, અહીંની સામાજિક સંરચના, ચર્ચો અને બિનસરકારી સંગઠનોની ભાગીદારી સાથે રાજ્યમાં લાગૂ થવા જઈ રહેલી કલ્યાણકારી યોજનાઓના કારણે રાજ્યમાં ભિક્ષાવૃત્તિની સંખ્યા ઘણી ઓછી છે.
બિનસ્થાનીક લોકો સહિત ૩૦થી વધુ ભિખારી
તેઓએ કહ્યું કે, સૈરાંગ-સિંહમુઈ રેલવે સ્ટેશનની શરૂઆત બાદથી મિઝોરમમાં બીજા રાજ્યોથી ભિખારીઓ આવવાની આશંકા વધી જશે. આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ સપ્ટેમ્બરે કરશે. લાલરિનપુઈએ કહ્યું, સરકારનું માનવું છે કે, યોગ્ય નિયામક માળખા દ્વારા તે રાજ્યને ભિખારી મુક્ત રાખી શકે છે.
મંત્રીએ કહ્યું કે, સરકાર એક રાજ્ય સ્તરીય રાહત બોર્ડની રચના કરશે, જે ભિખારીઓને કામચલાઉ રીતે રાખવા માટે રિસીવિંગ સેન્ટર સ્થાપિત કરશે. તેણે કહ્યું કે, ભિખારીઓને પહેલા રિસીવિંગ સેન્ટરમાં રાખવામાં આવશે અને ૨૪ કલાકની અંદર તેને મૂળ ઘરે કે રાજ્યમાં મોકલી દેવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર રાજ્યની રાજધાની આઇઝોલમાં બિનસ્થાનીક લોકો સહિત ૩૦થી વધુ ભિખારી છે.
મિઝોરમ નેશનલ ફ્રન્ટના નેતા લાલચંદમા રાલ્તે સહિત વિપક્ષી સદસ્યોએ કહ્યું કે, આ બિલ ઈસાઈ ધર્મ માટે હાનિકારક છે અને રાજ્યની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરશે. બિલને વિધાનસભા દ્વારા લાંબી ચર્ચા બાદ પસાર કરી દેવામાં આવ્યું છે. જેમાં લાલદુહોમા સહિત ૧૩ સભ્યોએ ભાગ લીધો હતો.