Last Updated on by Sampurna Samachar
Contents
બે મહિના પહેલા જ બનાવાયેલા રસ્તાનો જ ડામર પીગળ્યો
છીપવાડ અને દાણા બજાર વિસ્તારમાં બનેલા રસ્તાઓમાં ડામર પીગળી જતા લોકો દ્વારા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ શહેરમાં બે મહિના પહેલા બનાવાયેલા રસ્તાઓ ગરમીની શરૂઆતમાં જ પીગળતાં જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા છીપવાડ અને દાણા બજાર વિસ્તારમાં બનેલા રસ્તાઓમાં ડામર પીગળી જતા લોકો દ્વારા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ વિપક્ષ દ્વારા પણ પાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર બે મહિના પહેલા જ આ મુખ્ય માર્ગનું રીપેરિંગ કરીને નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જોકે માર્ચ મહિનાની શરૂઆતમાં જ જ્યારે તાપમાન લગભગ ૩૦ થી ૩૫ ડિગ્રી વચ્ચે પહોંચ્યું ત્યારે રસ્તાનો ડામર પીગળી જતો જોવા મળ્યો. આ કારણે રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રહેવાસીઓએ નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
કેટલાક લોકોના પગ ડામરમાં ચોંટતા હોવાની ફરિયાદ સામે આવી છે, જ્યારે બાઈકચાલકોને અકસ્માતના ભયને કારણે રસ્તાની બાજુથી વાહન ચલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક યોગ્ય કામગીરી કરવાની માંગ કરી છે.
વિપક્ષના નેતાઓએ પણ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે પ્રજાના ટેક્સના પૈસાથી કરવામાં આવેલી કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. તેથી સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
આ અંગે નગરપાલિકામા ચીફ ઓફિસરે જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંબંધિત એજન્સી અને એન્જિનિયરને સ્થળ પર જઈને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જો તપાસ દરમિયાન એજન્સીની ભૂલ સામે આવશે તો તેના સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.