Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પરિવારને જણાવી
મોબાઈલ પર વાત નહીં કરે તો મમ્મી-પપ્પાને મારી નાખીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી યુવકે ૧૪ વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ યુવકે તેના મિત્રની મદદથી આ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, એક મહિના અગાઉ વિધર્મી યુવકે શાળાએ જઈ રહેલી સગીર વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હતી અને તેને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્ય દરમિયાન વિધર્મી યુવકે વિદ્યાર્થીનીને મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે ડરી ગયેલી વિદ્યાર્થીનીએ આ વાત કોઈને કરી ન હતી.
આરોપી વિધર્મી યુવક અને તેના મિત્ર સામે ફરિયાદ
જોકે, બાદમાં વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક થરાદ પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક અને તેને મદદ કરનાર તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
થરાદ પોલીસે આ સંવેદનશીલ કેસમાં સગીરાની ફરિયાદના આધારે આરોપી વિધર્મી યુવક અને તેના મિત્ર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને કેસની વધુ તપાસ શરૂ કરી છે.