૨૪ સામે ફરિયાદ કરાઈ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પ્રેમીનું યુવતીના પરિવારે અપહરણ કરી લઈ તાલિબાની સજા આપી

પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર યુવક અને યુવતી મૈત્રી કરાર કરી અમદાવાદમાં સાથે રહેતા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. મૈત્રી કરાર કરી સાથે રહેતા પ્રેમી પંખીડાઓને યુવતીના પરિજનોએ શોધી કાઢી, યુવકને ઢોર માર્યો હતો. જેમાં યુવકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર યુવક અને યુવતી મૈત્રી કરાર કરી અમદાવાદમાં સાથે રહેતા હતા. બીજી એપ્રિલ ૨૦૨૬ની રાત્રે યુવતીના પરિવારના સભ્યોએ કાવતરું રચી અમદાવાદમાં તેમના રૂમનો દરવાજો ખોલાવ્યો હતો. આરોપીઓએ યુવક પાસે રહેલા રોકડ, દસ્તાવેજો અને દાગીના લૂંટી લીધા બાદ બંનેનું કારમાં અપહરણ કર્યું હતું.

ઈન્જેક્શનની સોય ભોંકી અસહ્ય પીડા આપી

રસ્તામાં યુવતીને બીજી કારમાં બેસાડી અલગ કરી દેવામાં આવી હતી, જ્યારે યુવકને એક અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. યુવક પર ગુજારવામાં આવેલી ક્રૂરતા રૂંવાડા ઊભા કરી દે તેવી છે. અજાણ્યા શખસોએ યુવકને પકડી રાખી તેના કપડાં ઉતારી નાખ્યા હતા. ત્યારબાદ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ટ્યુબ લગાવી અને ઈન્જેક્શનની સોય ભોંકી અસહ્ય પીડા આપી હતી.

એટલું જ નહીં, યુવકના મોઢા અને આંખ પર કોઈ પ્રવાહીનો ફુવારો મારવામાં આવ્યો હતો. જ્યારે યુવકે બૂમાબૂમ કરી ત્યારે નાક પર ફેટ મારી તેને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો.

અત્યાચાર આટલેથી જ ન અટકતા, આરોપીઓ યુવકને એક વાડીમાં લઈ ગયા હતા. ત્યાં છરા વડે યુવકની પીઠ, કાન અને હાથ પર ઘા માર્યા હતા. ત્યારબાદ અન્ય શખસોએ પાઈપ અને પટ્ટા વડે આડેધડ માર મારી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકની હાલત અત્યંત નાજુક જણાતા તેને પ્રથમ થરાદ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યો છે.

આ ચકચારી ઘટનાને પગલે થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ ૨૪ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ૧૨ શખસો નામજોગ છે અને અન્ય ૧૨ અજાણ્યા શખસો સામે અપહરણ, લૂંટ, આતંક મચાવવો અને જીવલેણ હુમલો કરવા જેવી વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.